ડૉ. નૌતમનું માન બ્રહ્મદેશની નદી ઇરાવદીના પાણી માટે એક દિવસ એકાએક અતિશય ઘણું વધી ગયું.
'હેમર હાથણી'ને પાંચ વર્ષના પરણેતર પછી પહેલી વાર પ્રસવ થયો - એ પણ પાછો પુત્રનો.
વળી પાછું એક દિવસ બારણું ઊઘડ્યું અને મીઠો ટહુકાર કાને પડ્યો :"બાબુલે!"
બીજું કોણ હોય ? સોનાં કાકી (ઢો-સ્વે)જ તો !
પણ એ એકલી નહોતી. જોડે નીમ્યા પણ હતી, અને બેઉના હાથમાં ભયાનક વસ્તુઓ હતી ! બર્મી છત્રી, નેતરના દાબડા, ભરતગૂંથણના રૂમાલો, વીંટી, રમકડાં, ફૂલો...ઘણું ઘણું.
"બાબુ ! મીં મૈમાની કાઉડે મહોલા !" (તારી સ્ત્રીની તબિયત તો સારી છે ને ?) પ્રૌઢાના હેતાળ સ્વર રેલાવા લાગ્યા.
"હાઉટે." (સારી છે.) નૌતમે હવે તે ભાષા પકડી લીધી હતી. પણ હજુ "હાઉટે"માં 'હ'ને 'સ' વચ્ચેનો ગ્રામ્ય કાઠિયાવાડીઓ કરે છે તેવો મીઠો બર્મી ઉચ્ચાર તેનાથી પકડાયો નહોતો.
"કાંઉલે પ્યાબાંઆંઉ." (છોકરો તો બતાવો) નીમ્યા અધીરી બની ઊઠી.
'હેમર હાથણી' બાળકને લઈ આવ્યાં. એને જોઈને નીમ્યા તો બચીઓ જ ભરવા લાગી. અને પછી ભેટની વસ્તુઓ ઠાલવી દીધી.
નીમ્યા પોતાની માતાને કહેવા લાગી : "કાંઉલે તૈલ્હારે ...નો !" (બાળક બહુ સુંદર છે ને !)
-અને ફરી હેમકુંવરબહેનને હૈયે ધાસ્કો પડ્યો : 'છોકરાને ક્યાંઈક નજર ન લાગે. છેય પાછી છોકરાને પાછી ભરખી જાય તેવી !'
ખરેખર નીમ્યાનાં જોબન હવે હેલે ચડ્યાં હતાં.