આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કારણ કે ભાઈ! અથવા બાઈ! હું વિશ્વનો વિધાતા નથી. અરે, ખુદ વિધાત્રીયે બાપડી આપણા જીવનના કેવા અણઘડ ઘાટ મૂકીને રફુ થઈ જાય છે!

રાણપુર: 11-6-1943

[બીજી આવૃત્તિ]

આ વારતાના વાચન પરથી, બ્રહ્મદેશમાં વસી આવેલા ગુર્જરભાઈઓનાં ખુદનાં જ હ્રદયમાં ત્યાંના વસવાટનાં મધુર સ્મરણો જાગ્રત થયાં છે. એ પોષક ભૂમિને માટે ઊંંડી મમતા તેમ જ એના વિચ્છેદ માટે તીવ્ર મનોવ્યથા પેદા થઈ છે. તદુપરાંત, એ કેવળ સારાંમાઠાં સાધનો દ્વારા કમાણી કરવાનો જ દેશ નહોતો, પણ સંસ્કારદૃષ્ટિએ ઓળખવા જેવો, એને આત્મિક ભાવે ચાહવા-પૂજવા જેવો દેશ હતો એવું ભાન આ પુસ્તકના વાચને જન્માવ્યું છે. મારી વારતાના સાફલ્યનો સર્વોપરી સંતોષ હું આ કારણે જ લઈ રહ્યો છું.

બ્રહ્મદેશ રહી આવેલા સંખ્યાબંધ ભાઈઓએ પત્રો લખી લખી 'પ્રભુ પધાર્યા'નું આલેખન શુદ્ધ અને સત્યનિષ્ઠ હોવાનું જણાવ્યું છે. અને વધુ કંઈ નહીં તો છેવટે બ્રહ્મી ભાષાપ્રયોગોમાં રહી ગયેલા દોષોના પણ સુધારા મોકલી, ઝીણવટથી એ ભાષાની વ્યાકરણની-રચના પર પણ મારું લક્ષ દોરી, એ દેશની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે. એ સહુનો હું ઋણી છું, અને મૂળની ભાષાક્ષતિઓ મેં કાળજી રાખી સુધારી લીધી છે.

આ નિવેદન તો આટલેથી સમાપ્ત કર્યું હોત, પણ દરમિયાન એક સ્નેહીનું પત્તું આવ્યું તે થોડીક ઉમેરણને અનિવાર્ય બનાવે છે. પત્તામાં લખ્યું છે કે:

વડોદરા સાહિત્ય પરિષદમાંથી પાછાં ફરતાં મારે વીરમગામ સ્ટેશને બે કલાક રોકાવું પડેલું ત્યારે એક સહપ્રવાસી સાથે વાતચીત થતાં, તે બર્મામાંથી છેવટ છેવટમાં દેશમાં આવી પહોંચેલામાંના એક ભાઈ છે એમ જાણવામાં આવ્યું. તમારા 'પ્રભુ પધાર્યા'ની વાત