આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને રતુભાઈ મેડી ઉપર ચડ્યા.

"એને ધોખો તો નહીં આપે ને ?" ટોળામાંથી એક બર્મી અનુયાયીએ બીક બતાવી.

"મગદૂર નથી કોઈની !" બીજાએ કહ્યું, "આ ઉઝીં તો સયા સાન થારાવાડીવાળાના સગા છે. એની માફક આણે પણ પીઠ પર અભય છૂંદણું મંતરાવ્યું છે. એના પર કોઈની ધાનો ઘા ફૂટે જ નહીં !"

"ધાનો ઘા ન ફૂટે, પણ વાંસની અણી કોઈ ઘોંચી દે તો !"

બર્મી લોકો માનતા કે ફુંગી લોકો અમુક છૂંદણાં મંતરીને ત્રોફી આપે તો તે માણસને બીજું કોઈ હથિયાર ન વાગે, ફક્ત વાંસની અણી વાગે. વાંસ કોઈ મંત્રના કે વશીકરણના કાબૂમાં આવતો નથી.

"અરે ઘેલા થાઓ ના, ઘેલા !" ત્રીજાએ કહ્યું. "આપણને સૌને ઠોં ખવરાવનાર પોતે શું કમ હશે !"

ઠોં એટલે ચૂનાની મંતરેલી ગોળી. આ હુલ્લડ વખતે ફુંગીએ ટોળામાંના સૌને ઠોં ખવડાવતા હતા, અને એમ મનાતું હતું કે ઠોં ખાય તેને ધા લાગે નહીં.

"કો-માંઉ !" ગુજરાતણવેશી બર્મીએ ઘરમાં આવી સીનો ટટ્ટાર કરીને કહ્યું : "હવે તો યાદ આવે છે ને ?"

"તું અહીં ?" ફુંગીનો સ્વર મૃદુતાભેર ધ્રુજ્યો.

"હા, અહીં છું. તમારા વિચારો તમે તે રાત્રીએ ઠાલવ્યા તે પછી હું મારે ન્યારે માર્ગે વળી ગઈ છું. હું તમારી સ્ત્રી ન બની શકી, તો હું એક બાબુની સ્ત્રી બની છું. તમે છોડી..."

"પણ અહીં શી રીતે ?"

"મજૂરણ બની હતી. ચાવલ-મિલમાં. એ તો પત્યું. પણ હવે શો વિચાર છે ?"

"એ કાકાને, એ ખોતોકલાને બહાર નિકાલો."

"રહો, કો-માંઉ !" એમ કહી સ્ત્રી ઘરમાં જઈ, પાછી આવી. એના હાથમાં ધા હતી. એ બતાવીને એણે કહ્યું : "ચાલો નીચે. અહીં તો