આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હું એકલી નહીં હોઉં હો, મારી જોડે કોઈક હશે." કહેતી કહેતી એ મલકી પડી હતી.

"તો તો કેમ રાખી શકાય? કોણ હશે જોડે? તારાં માતાપિતા જો હા પાડે તો રાખું."

"ના. એમને તો કહેવાનું જ નહીં. એ શોધવા આવે તોપણ પત્તો આપવાનો નહીં."

વિમાસણમાં પડી ગયેલાં હેમકુંવર બહેને કહ્યું: "હું ડૉક્ટરને પૂછું."

"ના, એમને તો પૂછશો જ નહીં. કાંઈ નહીં. હું તો અમસ્તી અમસ્તી પૂછતી હતી."

"પણ વાત શી છે?"

"કાંઈ નહીં. ખાલી ગમ્મત કરતી હતી." એમ કહીને નીમ્યા ચાલી નીકળી.

એક સાંજે બાબલો બહુ બહુ રોવા લાગ્યો, એટલે હેમકુંવર બહેન ડૉક્ટરને લઈ સોનાંકાકીને ઘેર ચાલ્યાં. નૌતમ પોતે સ્ત્રી સ્વભાવનો પારખુ હતો. એટલે નીમ્યા નથી આવતી એ પોતાને પણ સાલેલું તે છતાં પોતે ઘરમાં એ વાત ઉચ્ચારેલી નહીં. હેમકુંવરે કહ્યું તેના જવાબમાં એ ફક્ત એટલું જ બોલેલ: "વારુ ! ચાલો, જઈ આવીએ."

"ચ્વાબા!" નીમ્યાની માતાએ મહેમાનોનું સ્વાગર કર્યું અને પતિ બગીચામાં હતો એ ત્યાં દોડી ગઈ.

"જોયું, હાથણી !" દાક્તરે પત્ની ને કહ્યું, "તમે કાઢો લાંબા ઘૂમટા અને પછી લફર લફર લૂગડે પુરુષોની પડખે થઈને જતાં લાજો નહિ; ને આણે તસોતસ લુંગી પહેરી છે, સાંકડી લુંગીમાં જકડાયેલા પગ માંડ દોઢ્યે ડગલાં ભરી શકે છે, બુઢ્ઢી ખોખર થઈ ગઈ છે, છતાં કેટલી સ્ફુર્તિમાન છે ! કેટલી સંકોડાઈને ચાલે છે !"

હેમકુંવર બહેનનું હાસ્ય પણ એના દેહ જેવું જ ગૌર અને ગરવું હતું; એણે છણકો કરવાને બદલે હસીને કહ્યું, "આટલા વખતે પણ હજુ આપની સરખામણી પૂરી ન થઈ. એક સભા ભરો તો જાહેર કરું કે