આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨

મૃત્યુનો ઉત્સવ

હેલે વરસાદે માટી પલળી ગઈ હતી; ને નીમ્યાનો સસરો પોતાના ખેતરમાં કમોદ છાંટી, પાળો બંધ કરાવી, નફકરો બની સલે ચસકાવતો પોતાને ઘેર જઈ બેઠો હતો. જેઠમાં ખેતરડાં છલોછલ ભરાઈ ગયાં અને નીમ્યાની સાસુએ ધણીને તાકીદ દીધી. પણ બ્રહ્મદેશી મર્દને કામે ચડવાની તાકીદ કરવી એ પાડા માથે પાણી ઢોળવા બરાબર છે. ડોસો તો હોટેલોનો રસિયો હતો. દુત્તું હાસ્ય કરીને ઘરમાંથી સરકી જતો.

ડાંગરના રોપને છાતીબૂડ પાણીમાં ઊભીને ખેંચી કાઢવાનું કામ કરવા કોઈ બરમો મજૂર મહેનતાણે આવવા તૈયાર નહોતો. ઘણાખરા શ્રમજીવીઓને યાંત્રિક મિલોએ આકર્ષી લીધાં હતા; બાકીના ઘણા દગડા બન્યા હતા. મોટી બીક ડાંગરનાં ખેતરોમાં જળો ચોંટવાની લાગતી. જેને જેને નીમ્યાની સાસુ બોલાવવા ગઈ તેણે પહેલાં તો ઘરમાં જઈ તપાસ કરી. પછી બહાર આવીને કહી દીધું, "આજે તો મજૂરીએ નથી આવવું?"

"હા, આજના ચાવલ હાંડીમાં બાકી લાગે છે. શેનો આવ?" એમ બોલીને ડોસી બીજાને કહેવા ચાલી જતી. બધા કેવળ "આજનો લહાવો લિજિયે રે, કાલ કોણે દીઠી છે!' વાળી મનોદશામાં હતા.

આખરે નીમ્યાની સાસુને હિંદી મજૂરોનાં જૂથ જડી ગયાં. હિંદુસ્તાની કૃષી ભાંગતી હતી; મજૂરી અતિ સસ્તી હતી; એટલે હિંદે વ્યાપારીઓના કરતાં સો ગણી સંખ્યામાં એના કિસાનોને આંહીં હાંડી ચાવલની શોધમાં દરિયાપાર ધકેલ્યા હતા. ઓરિસાનો ઊડિયો મજૂર આ ભયાનક મજૂરીને માટે પણ સસ્તો વેચાતો હતો.

પગે ચોંટી જતી જળોને જીવતી ઉખેડવાની કરામત ઊડિયા પાસે હતી. જળો જ્યાં ચોંટે ત્યાં ઊડિયો થૂંકતો, એટલે જળો ખરીને નીચે પડતી. પાર વગરની જળો ચોંટતી, તાણે તો કદી ન તૂટતી, લોહી ઝપાટાબંધ ચસકાવતી; પણ ઊડિયો થૂંકતો થૂંકતો ઉખેડીને કામ કરતો. તેણે ડાંગરના