આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નજર સન્મુખ બ્રહ્મદેશીઓનું આપણા લોકોના શોષિત-પીડિતો લેખેનું નર્યું દયાજનક દૃશ્ય. એમના ઉપર કૃપા કરવા કે એમના દુર્ગુણોની વકીલાત કરવા મેં મારી કલમ નહોતી ઉપાડી. મારી સમક્ષ તો હિંદીવાનો અને બર્મી જનોના સામુદાયિક લોકસંપર્કનું એક નૌતમ દૃશ્ય રમતું હતું. એ એક એવી તસવીર હતી કે જેમાં રૂપ અને રેખાઓ હતાં, તેજ અને છાયા હતાં; ઉષા, સંધ્યા અને અંધારાભરી કે કૌમુદી-ઊજળી રાત્રિઓ હતી. એ સમગ્ર દૃશ્યે (નહીં કે એમાંના કોઈક એક છૂટક ટુકડાએ) મારા કૌતુકને ઉદ્દીપ્ત કર્યું અને મારામાં શુદ્ધ કલારસલક્ષી સંવેદન ઘોળ્યું. પછી મને પરવા નહોતી કે એમાંનો ક્યો વર્ગ કે કઈ વ્યક્તિ મારા આ સર્જન થકી આર્થિક અથવા રાજદ્વારી હિસાબે ક્યાં લાભાહાનિને પામવાનાં છે. સર્જકને તો જોવું એટલું જ હતું, કે એની કૃતિમાં એનું સંવેદન સત્યનિષ્ઠતાને ચૂક્યા વગર કોઈ એક સર્વમંગલકર આકૃતિનો ઉઠાવ કર્યે જાય છે કે નહીં.

આ હિસાબે મને મળેલો આત્મસંતોષ એકસો ટકાથી જરીકે ઊણો નથી રહ્યો, ને મારા વાચકગણની પણ મેં કશી દુર્ગતિ કરી નથી, તે વાતનો હવાલો સંખ્યાબંધ કાગળોએ આપેલ છે. ગુજરાતીઓના ઊજળા સંસ્કારોમાંથી એમનાં નબળાં તત્ત્વોને બાદ કરી વિલુપ્ત કરવાની ઠગવિદ્યા મેં વાપરી નથી, એ તો એક ગુજરાતી લેખે મારા ગૌરવની વાત છે.

રાણપુર: 3-2-1945

[ત્રીજી આવૃત્તિ]

આ ત્રીજી આવૃત્તિની પ્રસિદ્ધિ વેળાએ વિશ્વયુદ્ધ નં. 2 ખતમ થયું છે અને વિશ્વયુદ્ધ ત્રીજાનું નેપથ્યવિધાન ચાલતું જણાય છે.

આ એક એવું ભયાનક, તથાપિ એવું મંગલ, વહાણું વાય છે કે જ્યારે પ્રજા-પ્રજા વચ્ચેની કેવળ આર્થિક, ઔદ્યોગિક અને રાજકારણી એકલક્ષિતા વડે ઉગાર કરવો હશે તો સાંસ્કારિક એકરૂપતાની સમજ