આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૦
 

૯૦ પ્રાથમિક શાળામાં શિક્ષક ગયો છે, સૌ સૌને ત્યાં અધિકાર પરત્વે મોટા. તેમને અધિકાર પરત્વે ઘટતું માન દઈએ, પણ તેની શેહમાં દબાઈ શા માટે ખુશામત કરવી ? એ આપણા પોતાના અંતઃકરણની નબળાઈ છે. આપણે લોકોની સેવા કરવી; ખાતાની સેવા કરવી; અમલદારની યોગ્ય સેવા કરવી; પણ ખુશામત શા માટે કરવી ? એક બીજા વેડા પણ છે અને તે નકામી ડફલી કૂટવાના, નિંદા કરવાના, ખટપટ કરવાના. આ રોગ આખા દેશનો છે, ને આપણે પણ એમાંથી મુક્ત નથી-બલકે તેના વધારે ભોગ થઈ પડયા છીએ. આપણે આખા ગામની પટલાઈ ડોળીએ છીએ. આખા ખાતામાં શું થયું ને થવાનું છે તેનું કૂટીએ છીએ, અને ઊડતી વાતો ઉપર વધારે વાતો ઉડાડીએ છીએ. આ બધી વાતોમાં જે આવ્યો તેની ખોદણી તો હોય જ છે. અને લગભગ એક પણ એવોમાણસ ન જડે કે જેની નિંદા આપણે છોડી દઈએ. આ પ્રવૃત્તિ જાણે કે આપણા ઘણા ભાઈઓને બંધાણ રૂપ છે. ભેગા થઈને ‘કાં, ઓલ્યાનું આમ થયું. પેલાનું આમ છે ને એવું એવું છે.' એવી વાતો કર્યા વિના પાચન જ ન થાય. અને આ નકામા વેડા નહિ તો બીજું શું ? આ બધા આપણા વેડા આપણે છોડી દઈએ.