આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવ


વિચાર વિશુદ્ધ અને ઉદ્દાત હોય. આપણને પામર મનુષ્યોના મોહ ન હોય, અને છતાં સુખ અને શાંતિથી જીવન જીવવાનો આપણો ધર્મ અને હક્ક હોય. આપણે સમાજ સામે, ધનવાન સામે, સત્તા સામે એટલા માટે ઊઠવાનું નથી કે આપણે તેમના સુખોપભોગના રોગોને મેળવવાની ઇચ્છા રાખીએ છીએ. આપણે તેમની સામે લડીને તેમને ને તેમનાં બાળકોને તે રોગોમાંથી બચાવવા માગીએ છીએ. આપણી સમાનતા તેમના પતનગામી વૈભવો સાથે ન હોય; આપણી સમાનતાની લડત મનુષ્ય તરીકે આપણા દરજ્જા માટે હોય; ભવિષ્યમાં જગતના સહુ જીવોને સરખી સમાનતા અપાવવા માટેની હોય. એટલા જ માટે આપણા જ ભવિષ્યના જીવનની કલ્પના આપણે માટે મહાલયો નહિ પરંતુ શાંત કુટીર, અઢળક ધન નહિ પરંતુ શરીર અને મનની સ્વસ્થતા જાળવે એટલી ધનસમૃદ્ધિ અને તેથીયે વિશેષ તેનો સંતોષ, શરીરને અને મનને ક્ષણે-ક્ષણે સુખ અને દુઃખ આપે તેવા વિલાસોનો વૈભવ નહિ પરંતુ શરીરના આરોગ્ય અને મનની પ્રસન્નતા વધારનારાં સાધનોની વિપુલતા હોય. આપણે દુનિયાને જીવનનો માર્ગ બતાવવાનો છે; નહિ કે આપણે દુનિયાના જીવનને પગલે ચાલીને તેનાં સુખદુઃખ લેવાં છે. આપણે દુનિયાના જીવનની વિટંબણામાં ગૂંગળાવા જેવું નથી પરંતુ તેમાંથી મુકત રહી દુનિયાને તેમાંથી બચાવવી છે; અને તે માટે આપણું વ્યક્તિત્વ આપણે સ્થાપવું છે, આપણું સ્વાસ્થ્ય આપણે મેળવવું છે અને તે માટે આપણે લડવું છે. આપણે શક્તિ વધારીએ અને સંગઠન કરીએ એટલે આપણો વિજય છે. એટલે આપણી દરિદ્રતાનો નાશ છે, દુર્બળતાનો નાશ છે, ગુલામીનો નાશ છે. S – ગિજુભાઈ