આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૧૭ છોકરાઓને મારી-ફૂટીને તૈયાર કરવા ને પરીક્ષામાં સફળ નીવડયા એટલે જીત્યા, એ વાત વિચારવંત શિક્ષકને તો મર્મના ઘા જેવી લાગે. જે શિક્ષક શિક્ષણમાં, જીવનમાં, વિકાસમાં, દેશમાં સમજતો હોય તેને તો થાય કે આજની સ્થિતિ કરતાં બીજી કોઈ સ્થિતિ છે ખરી, કે જે આપણે અખત્યાર કરીએ ? શિક્ષક પોતાની મેળે પગાર વધારી શકતો નથી; તેજસ્વી શિક્ષકને હવે તો આડકતરી રીતે છાણાં, દૂધ, શાક, વગેરેની કમાણી કરવી ગમતી નથી. આદર્શવાળા શિક્ષકને શિક્ષણપદ્ધતિ સુધારવી ગમે છે. પ્રાણવાન શિક્ષકને થાય છે કે આ ધંધો છોડી દઈને કંઈ બીજું લઈએ તો ઠીક. સારો શિક્ષક જીવવાને માટે શરૂઆતમાં ઉધામા કરે છે; ધીરે ધીરે તે જીવન ગુમાવતો જાય છે. આખરે તે પણ જૂની કબરોનો રહેવાસી થાય છે. ત્યારે હવે શું કરવું ? મુશ્કેલીઓ ઘણી અને ઉપાય એકેય નહિ. છતાં શિક્ષક-સારો શિક્ષક પોતાને માટે અને વિદ્યાર્થીઓને માટે કંઈક કરી શકે. પ્રાણપોષણ માટે પ્રાણભર્યું વાતાવરણ જોઈએ. ગામડામાં શિક્ષક હિજરાય છે. સ્થિતિ વધારે તપાસે તો ગૂંગળાય છે. પણ તેણે જાણવું જોઈએ કે જીવન એ પોતાનો પ્રશ્ન છે. જીવનનો ૯૯ ટકા ભાગ આપણો પોતાનો છે; એક ટકો બહારના જગતના હાથમાં છે. આપણે જ્યારે બહિર્ઝવી થઈએ છીએ ત્યારે આપણને આ ૧ ટકો ૧૦૧ ટકા જેટલો લાગે છે ! આપણે આપણા ૯૯ ટકાને સંભાળીએ.