આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૪૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૪૩ અંદર શિક્ષકો ખૂબ કાળજીપૂર્વક કામ કરે તેને માટે અત્યંત આગ્રહપૂર્વક માગણી કરવી જોઈએ. આપણે શિક્ષકો ખરી રીતે ટયૂશનો રાખી નીતિનો બેવડો ભંગ કરીએ છીએ. એક તો આપણે શાળામાં સમભાવે બધાને ભણાવવા જોઈએ તે ભણાવતા નથી, અને તેમ કરી ટયૂશન લેવડાવવાની ફરજ પાડીએ છીએ. બીજી બાજુએ ગરીબ માણસોનાં છોકરાંના ભણતર તરફ આંખમીંચામણાં કરીએ છીએ. આપણને ઓછો પગાર મળે છે તેથી આપણે ટયૂશનો લેવા પડે છે એ દલીલમાં સત્ય હોય, તો પણ આપણે ટયૂશન લઈને પતિત થવું જોઈએ નહિ, પણ પગાર વધારવા માટે આપણે ખાતાંઓ સાથે લડવું જોઈએ. સારા પરિણામો બતાવી, શાળાને સુધારી, આપણે વધારે પગારના અધિકારી બનવું જોઈએ. વળી આપણને પૈસાની જરૂર છે માટે જ સૌ ટયૂશન રાખીએ છીએ એમ નથી. આપણે શિક્ષકનું કાર્ય છોડી પૈસા કમાવા પાછળ નીકળી પડયા છીએ; વિદ્યાર્થીઓને કેમ ભણાવવું તેનો વિચાર કરવાને બદલે, સારાં પુસ્તકો વાંચી ભણાવવાને તૈયાર થવાને બદલે, આપણે ટયૂશનો શોધવાની કંગાલ ખટપટ અને ધમાલમાં પડયાં છીએ. શ્રીમંતોને આપણી ગરજ છે ત્યાં સુધી તેઓ આપણને, જેમ ગાય, ભેંશ, મોટર પોતાના હિતાર્થે રાખે છે ને ખપ પડે ત્યાં સુધી રાખી રજા આપે છે, તેમ રજા આપવાના છે; અને આપવી પણ જોઈએ. તેમાં તેમનો વાંક નથી. ટૂંકમાં આપણે શિક્ષકોએ આ ટયૂશનની બદીમાંથી આપણી જાતને, છોકરાંઓને અને માબાપોને મુક્ત કરવાં જોઈએ; અને આપણી આર્થિક સ્થિતિ સુધારવાને માટે અન્ય વાજવી ઉપાયો લેવા જોઈએ.