આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૫ (૨) છેલ્લાં દોઢસો વર્ષોમાં આપણને જે કેળવણી આપવામાં આવી તે કેળવણીએ આપણને એકલા બૌદ્ધિક અને તાર્કિક કરી મૂકયા છે. કેળવણીમાં ઔદ્યોગિક શિક્ષણને લેશ માત્ર સ્થાન ન હતું તેથી આપણા હાથ, પગ, આંખ, કાન વગેરે લૂલાં, અપંગ અને અશકત રહ્યાં; એટલું જ નહિ પણ એ અશક્તિને લીધે જ અને બીજી તરફથી એકલા બુદ્ધિવિકાસને લીધે જ આપણે આપણી અશક્તિનું પરાધીનતાનું જાણે અભિમાન કરવા લાગ્યા, અને માનવા તથા મનાવવા લાગ્યા કે કામ કરવું (બીજાને કે પોતાને માટે) એ હલકામાં હલકી વાત છે ! આપણા એવા કમનસીબ ભણેલાઓએ લોકોના મનમાં એમ ઠસાવી દીધું કે તેઓ હાથ ન હલાવે તેમાં જ તેમની મોટાઈ છે; અને બીજા ભલા અભણ લોકોએ બીજા કશા કારણ કરતાં તેમને તેટલા જ કારણથી મોટા માન્યા! બૌદ્ધિક કેળવણી પણ આપણને જે મળી તે અપૂર્ણ જ. કેવળ સ્મરણશક્તિના બળ વડે અને માત્ર આંખના જ ઉપયોગ વડે જે કેળવણી મળી, તે એવી મળી કે તેમાંથી ખરો લાભ થાય જ નહિ. એવી કેળવણીમાંથી માણસો મહાન શોધકો ન થયા. મહાન રણવીરો ન થયા, વિજ્ઞાનશાસ્ત્રીઓ ન થયા, ઇજનેરો, ચિત્રકારો, શિલ્પીઓ કે સંગીતશાસ્ત્રીઓ ન થયા. માત્ર કારકુનો, મહેતાજીઓ (નહિ કે શિક્ષણશાસ્ત્રીઓ); અને બહુ વધી વધીને થયા તો વકીલ, બેરિસ્ટર, વૈદ, દાક્તરો; બધાય કેવળ હાથપગની કેળવણી વિનાના અપંગ. બધાય કાં તો નોકરી એટલે ગુલામી કરીને જીવનાર કે કાં તો ગુલામી કરાવીને જીવનાર !