આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
 

પ્રાથમિક શાળામાં શિક્ષક જમાનો હવે બદલાયો છે. આખી દુનિયાના કેળવણીકારોની આંખો ઊઘડી ગઈ છે. એકલાં ઈતિહાસ, ભૂગોળ કે ભાષાજ્ઞાન અને ગણિતથી માણસ માણસ નહિ બની શકે એવી ખાતરી થઈ ચૂકી છે. માણસ એવો પામર બની જાય, એ કલ્પનાથી આજના સાચા કેળવણીકારો થરથરી ઊઠયા છે. આજ દિન સુધી ઔદ્યોગિક કેળવણી બાળકોને ન આપી તેના જ પરિણામે આજની દુનિયા નરક સમાન થઈ પડેલી છે, તે તેમના લક્ષમાં આવી ગયું છે. ઔદ્યોગિક કેળવણી વિના હવે એક દિવસ પણ ચાલશે નહિ એવી બૂમ આખી સુધરેલી આલમમાં ઊઠી છે. ૬ હાથપગ અને આંખને સારી કેળવણી નહિ મળે ત્યાં સુધી બુદ્ધિની કેળવણી અપૂર્ણ અને ખામીભરેલી રહેશે જ, તે વાતમાં હવેના કેળવણીકારોમાં બે મત નથી. જે કાંઈ કરવાનું રહ્યું છે તે કાર્ય કરવાનું રહ્યું છે. આજના કેંળવણીકારોએ જૂના વિચારોની સામે લડવાનું છેં; એકલી બુદ્ધિની પ્રતિષ્ઠાનો ભંગ કરવાનો છે; બુદ્ધિની કેળવણીની સાથે હાથપગની કેળવણીને સરખો દરજ્જો અપાવવા આગળ આવવાનું છે; જે માણસ લૂલો છે અને જે માણસને કામ નથી આવડતું તે બન્નેનાં કશો ભેદ નથી એવો વિચાર લોકોના મનમાં ઠસાવી દેવાનું છે; પોતાને હાથે પાણીનો પ્યાલો ન લેનાર અને ઠૂંઠો માણસ સરખા જ છે, તેમ જ પોતાના બૂટની દોરી ન બાંધનાર અને અપંગ બંન્નેમાં ફેર નથી, એ ભાવના કેળવવાની જરૂરી છે. એવા યુગની આગાહી થઈ જ ચૂકી છે કે જ્યારે જાતે કામ કરવું એ માણસનો પવિત્ર ધર્મ અને હક્ક ગણાશે, અને જે વખતે કોઈની પણ સેવા લેવાનું કૃત્ય અત્યંત ધિક્કારની દૃષ્ટિથી જોવાશે.