આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૭ એ આપણા ધર્મો છે. વળી આ ધર્મોમાંના બે ધર્મોને પ્રમુખ ધર્મો કહી શકીએ. સેવાબુદ્ધિ અને ક્ષાત્રવૃત્તિ એને હું શિક્ષકના પરમ ધર્મો ગણું છું. બ્રાહ્મણથી તે અસ્પૃશ્ય સુધીની બધી કોમોમાં બાળકોની સેવા અર્થે જીવવું એ જ શિક્ષકનો પ્રથમ અને મહાન ધર્મ છે. જાતે સામાજિક અને રાજકીય પારતંત્ર્યમાંથી મુક્ત રહી બીજાંઓને એ મુક્તિ અપાવવાનો શિક્ષકનો બીજો, પરંતુ એટલો જ મહાન ધર્મ છે. અધ્યયન-અધ્યાપનને આપણે ત્રીજું સ્થાન આપીએ અને ચોથે સ્થાને રિદ્ધિસિદ્ધિવૃદ્ધિ અર્થાત્ સંસ્થાઓ સ્થાપવી, સાધનો વસાવવાં વગેરે છે. આપણે સાધનો વિના શિક્ષણ આપી શકીએ; મોટાં મકાનોને બદલે ઝૂંપડીઓમાં અને ખુલ્લાં મેદાનોમાં બેસીએ એટલું જ નહિ પણ ભ્રમણ કરતાં પણ શિક્ષણકાર્ય કરી શકીએ. અત્યાર સુધીમાં જે કોટિનું જ્ઞાન આપવામાં આવ્યું છે, તે કોટિના જ્ઞાનનું પરિણામ આપણે જોઈ શકયા છીએ. એવું જ્ઞાન આપણે ન આપીએ અથવા ઓછું આપીએ તો પણ ચાલે. પણ સાધનસંપન્ન થવા માટે અથવા તો જ્ઞાન આપવાની અનુકૂળતા રહે એટલા માટે પારતંત્ર્ય ન સ્વીકારીએ. અને સેવાવૃત્તિમાંથી ચ્યુત થઈ આપણે કદી અધ્યયન-અધ્યાપનમાં સફળતા ન જ માનીએ. આથી જ સેવાવૃત્તિ અને ક્ષાત્રવૃત્તિને શિક્ષકના કર્તવ્યમાં પ્રથમ સ્થાને મૂકેલ છે. આજે તો જે મનુષ્ય સમાજની સેવા કરી શકે અને સમાજ કે રાજના અત્યાચારમાંથી જાતે સ્વતંત્ર રહી બીજાને સ્વતંત્ર રાખવા પ્રવૃત્તિ કરી શકે, તે જ શિક્ષક કહેવાય.