આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રણ

ત્રણ મારા શિક્ષક ભાઈઓને હું તમારામાંનો એક છું અને આપણા ધંધા માટે, આપણા ચારિત્ર્ય અને ઉન્નતિ માટે, જુદે જુદે વખતે જે વિચારો મેં કરેલા છે તે વિચારો હું તમારી સેવામાં રજૂ કરું છું. આ પુસ્તક વાંચીને આપણે તેનો અમલ કરવાનો છે. એના અમલમાં આપણી તમામ દુર્દશાનો અંત સમજજો. મારી શ્રદ્ધા છે કે જો આપણે શિક્ષકો દસ વર્ષ સુધી એકધારી શિક્ષણની ઉપાસના કરીશું તો આપણે આપણા દેશમાં એક નવો જ યુગ લાવી શકીશું. આપણે પણ આજના દલિતોમાંના એક છીએ. દલિતોના ઉદયની ઉષા ઊગી ચૂકી છે. જે જોશથી દુનિયાના દલિતો કૂચ કરી રહ્યા છે તે જોશથી આપણે પણ ઊપડીએ. આપણે ખોવાનું તો કશું રહ્યું જ નથી. જે કાંઈ રહ્યું છે તે મેળવવાનું રહ્યું છે. આપણામાં વિશ્વાસ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખી આપણે આપણા કદમ ઉપાડીએ. આગળ વિજય છે. તા.૧૯-૧૧-’૩૨ ગિજુભાઈ