આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૬
 

૩૬ પ્રાથમિક શાળામાં શિક્ષક વિકાસનો અર્થ સમજી તેમને વાતાવરણ આપનાર નહિ હોઈએ તો નહિ જ ચાલે. આપણી શાળામાં બાળકો બે ઘડી ભણશે ને બે ઘડી રમશે તે ચાલશે. પરંતુ બાળકો કારખાનાના મજૂરો જેમ દિવસ બધો કામ કર્યા જ કરે ને આપણે તે ઉપર કડક નજર રાખ્યા જ કરીએ, તે તો નહિ જ ચાલે. આપણી શાળાનાં બાળકો આપણે ગળે વળગી નહિ પડતાં હોય ને દોસ્તો થઈને આગળ નહિ ચાલતાં હોય તો તે ચાલશે, પરંતુ તેઓ આપણાથી દૂર દૂર નાસતાં હશે ને આપણને દેખીને ડરતાં હશે તે તો નહિ જ ચાલે. આપણી શાળામાં બાળકો ઓછું ભણતાં હશે તો ચાલશે. ધીમે ધીમે ભણણાં હશે તે ચાલશે, પરંતુ તેઓ તણાઈ-તણાઈને ભણતાં-ભણતાં કંટાળી જતાં હશે ને નિસ્તેજ થાતાં હશે તે તો નહિ જ ચાલે. આપણી શાળાનાં બાળકો મરજી પડે તો બેસે, મરજી પડે તે વાંચે ને મરજી પડે તો ચીતરે તે ચાલશે, પણ કોઈક આવે ત્યારે તેને બતાવવા માટે જ લખશે કે ગાશે કે ચીતરશે તે તો નહિ જ ચાલે. આપણી શાળાનાં બાળકો વખતે ન બની શકે તો કોઈ કામ કરવાની શાંતિથી આપણને ના પાડશે અગર ધીમેથી કરશે તે ચાલશે, પરંતુ રખેને મારીશું કે વઢીશું એટલા માટે દોડીને કામ કરી દેશે તો તે નહિ જ ચાલે.