આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છ નોકરી કરવાની સાફ ના પાડે છે. આજે એમ કરવું અધર્મ નથી પણ જીવનનો પરમ ધર્મ છે, એમ તત્ત્વવેત્તાઓ પણ સ્વીકારે છે. ગુલામોને કાયમ ગુલામીમાં રાખનારાઓ ! વફાદારીનું શાસ્ત્ર આજે ઉઘાડું પડયું છે; સેવાની પોકળ ભાવના દંભીઓ અને સ્વાર્થસાધુઓએ પેદા કરેલી છે. જગત આખા ઉપર શક્તિ, સામ્રાજ્ય અને ધનવાળાઓએ પોતાના જીવતર ખાતર કામગારોને કેવા ભેળવીને તેમને ચૂસ્યા તે વાત હવે છૂપી રહી શકે તેમ નથી. વર્તમાન ઈતિહાસ પોકારીનેક હે છે કે જેઓ દલિતો હોય, દુ:ખી હોય, ભૂખ્યા હોય, પીડિત હોય તેઓ સૌ એક થાઓ અને આ સત્તાની ધૂંસરીને ફેંકી દ્યો. તમારું જ બળ સ્થાપો, સમાનતાના હક્કો મેળવો અને દુનિયાના સુખોના સરખા ઉપભોકતા બનો. શિક્ષકો ! નવો યુગ તમને પણ આ સંદેશ આપી રહ્યો છે. તમે એ ઝીલશો ? પણ આપણે દુનિયાને એમ ડરાવી શકીએ એમ નથી, દુનિયા પાસે આપણા હક્કો માગવા જઈએ તે પહેલાં આપણી ઉપયોગિતા આપણે સિદ્ધ કરવી પડશે. આપણે અત્યાર સુધી નિરુપયોગી જેવા જ રહ્યા છીએ, એટલે જ સમાજે આપણને ખોડાં ઢોર જેમ નિભાવ્યા છે. આપણે આપણી શક્તિનો પરચો પાડયો નથી માટે જ આપણે હંમેશ માટે પંતુજીઓ અને બડા પંતુજીઓની સ્થિતિથી ઊંચે આવી શકયા નથી. આપણે આપણા જ હૃદયનું દૈન્ય અવસરે અને કઅવસરે બતાવી બતાવીને આપણી દીન દશાને વધારે દીન કરી છે. આપણે જ ટુકડા માટે જ્યાં-ત્યાં ભટકનાર પ્રાણીઓ પેઠે, પવિત્ર ધંધાનું ગૌરવ સમજ્યા વિના, પૈસા માટે જેને-તેને ત્યાં, અને જેના-તેના ઉંબરા ભાંગ્યા છે; અને પૈસાદારની ઇચ્છાઓને મૂંગા ઢોરની માફક અમલમાં મૂકી છે.