આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૮
 

૭૮ પ્રાથમિક શાળામાં શિક્ષક આ દુનિયામાં જે કાર્ય કરવાનું છે તે જ કાર્ય માટે તે આત્મા આગળ વધશે. તમારી શિક્ષા, કેળવણીની યોજના, વગેરે તેને આગળ નહિ વધારી શકે; ઊલટું તેના માર્ગમાં તે આડે આવશે. તમે જો બાળક માટે કરી શકતા હો તો તેનો માર્ગ સીધો કરો, તેના રસ્તામાંથી કાંટા કાઢી નાખો, તેના માર્ગની આસપાસ વાડ બાંધો; એટલે કે તેને માટે અનુકૂળ વાતાવરણ વિકાસ માટે તેને જોઈએ તેવી આબોહવા આપો. કેવી આબોહવા જોઈશે તેનો તમે અભ્યાસ કરો. માળી છોડ ઉછેરવાનું જાણે છે; પ્રાણીશાસ્ત્રી પ્રાણીઓને ઉછેરવાનું જાણે છે; તો આપણે મનુષ્યો ઉછેરવાનું જાણવું જ જોઈએ. એ વિદ્યાના જ્ઞાનમાં આપણી શિક્ષક તરીકેની અરધી ફરજ ઓછી થાય છે, અને આપણું લગભગ આખું કામ પાર ઊતરે છે. અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાનનું શિક્ષણ આપવાનો મોહ ન રાખો. શીખવું એ તો પ્રાણી માત્રની ફરજ છે, જરૂરિયાત છે. મનુષ્યત્વ કયા શિક્ષણમાંથી જન્મશે તે પહેલું શીખવો; પછી અંકજ્ઞાન-અક્ષરજ્ઞાનની વાત. હું તો અંકજ્ઞાન અને અક્ષરજ્ઞાનનો વિરોધી છું. પણ હું જાણું છું કે અમુક ઉંમરે બાળક અંક- અક્ષર શીખવા માગે જ છે; અને તેથી જ બાલમંદિરમાં તેના શિક્ષણ માટે વ્યવસ્થા છે. અંકજ્ઞાન અને અક્ષરજ્ઞાન લેવા માટે બાળક ન આવે તો તેને માટે જરાયે ચિંતા ન રાખો. વણભૂખ્યા બાળકને ખવરાવવું ખરાબ છે, અને ભૂખ લાગે છે ત્યારે વગર કહે બાળક ખાવા આવે છે; જ્ઞાનની પણ બાળકને ભૂખ લાગે છે.