આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૭૯ જો બાળકને સમાજમાં રાખવું હોય તો તેને સમાજના જ વાતાવરણમાં રાખવું ઘટે છે. તેને બોલતું કરવું હોય તો જ્યાં માણસો બોલતાં હોય ત્યાં જ રાખવું પડે છે. તેમ તેને અક્ષરજ્ઞાન આપવું હોય તો જ્યાં અક્ષરજ્ઞાનની જરૂર પડતી હોય અને જ્યાં અક્ષરજ્ઞાનનો ઉપયોગ થતો હોય, ત્યાં બાળકને રાખવું, એટલે અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન બાળક સહેજે શીખશે. બાળકને ચાલતાં અને બોલતાં શીખવાની નિશાળ માંડવી પડે છે ? માત્ર, અંકજ્ઞાન અને અક્ષરજ્ઞાન જીવનની જરૂરિયાત હોવી જોઈએ. જો એ જરૂરિયાત ન હોય તો તે શીખવવા પાછળ આટલી ખટપટ પણ ન જોઈએ. જો જરૂરિયાત હોય તો જરૂર બાળક તે શીખશે જ. અંકજ્ઞાન અને અક્ષરજ્ઞાનની તૃષા અને તે શીખવવાની સગવડ- સ્વાભાવિકતા-કઈ જાતના વિકાસથી બાળકમાં જન્મે છે તે જાણી લઈએ. તો આપણે તે વિકાસ માટે જ કંઈ કરવું ઘટે છે. આપણે તે વિકાસ માટે જ ઊભા રહેવાનું છે. પણ આપણું કામ માળીનું છે. અને છતાં એકલા માળીનું નથી. બી પ્રમાણે ઝાડ થવાનું છે, છતાં બીજના દોષોને દૂર કરવાનું કામ આપણે જ કરવાનું છે. બીને એકલી અનુકૂળતા જ આપવાની નથી; પણ તેને સામાજિક અને નૈતિક વાતાવરણમાં જીવી શકે તેવું બનાવવાનું છે. અને તેથી જ આપણે મોટે ભાગે દષ્ટા છીએ છતાં પ્રેરક પણ છીએ જ.