આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માનો અસુર
91
 

ભયાનક રૂપ ભાળી પાછાં પગલાં માંડવા જાય છે, ત્યાં તો એ માનવદૈત્યે એનો માંસલ હાથ પકડીને સામે બેસારી લીધી. એ જ હતી એઃ જેના ઘૂંટણ સુધી નગ્ન જોયેલા પીંડીભર્યા એક પગે આ યુવાન વિજ્ઞાનીની નજરબંદી કરી હતી.

બે કટોરી ભરીને એક એણે સુંદરીની સામે લંબાવી કહ્યું: "લિજિયે પ્યારી ! અને દિલ બહલાવો.”

કૂતરો હાડકું કરડતો કરડતો કાઢે છે તેવો આ માનવ-મુખનો હિંસક અવાજ સાંભળીને સ્ત્રી સંકોડાઈ ગઈ. પરંતુ ત્યાંથી ઊઠવું સહેલું નહોતું.

“કેમ?” પુરુષે વિકરાળ હાસ્ય કરતાં કરતાં ચીમટા ભર્યા: “આ બધા બેઠા છે તે મનુષ્યો છે, ને હું શું વાઘ-દીપડો છું? મેં શું એવાં જ વસ્ત્રો નથી પહેર્યા ! હું શું શરાબનાં નાણાં નથી ખર્ચતો? મારામાં શું અમીરાઈભરી રીતભાત નથી? મને બદસિકલ સમજો છો, ને એ બધા શું ઉપરથી દેખાય છે તેવા જ રૂપાળા અંદર પણ છે? દંભ – દંભ તમને ગમે છે, કેમ? ભીતરનું સાચું સ્વરૂપ બહાર નીકળ્યું એટલે તમારાથી નથી સહેવાતું, કેમ? સહુને તમારો કંઠ અને તમારું કલેવર વેચવા નીકળ્યાં છો, ને મને એકને જ ના પાડશો, કેમ?”

પુરુષ બોલ્યે જતો હતો. શું બોલતો હતો તેની એ સુંદરીને ગમ નહોતી. એને કાને તો 'કરડ ! કરડ ! કરડ !' એવો ભયાનક અવાજ જ સંભળાતો હતો. એને પોતાને જાણે એ પુરુષ દાંતો વચ્ચે કરડતો હતો.

"નહીં માનો? મારા ખોળામાં બેસીને એ ગીત નહીં ગાઓ? આ બધાના ખોળા બહુ મીઠા છે કે ? હં ! એ તમામની અંદર આ જ પિશાચ પડ્યો છે, પણ એ બધા સિફતથી ઢાંકી રહ્યાં છે એટલે સુંદર લાગે છે, ને હું જેવો છું તેવો દેખાઉં છું માટે મારા પ્રતિ ધૃણા છૂટે છે ! ફિકર નહીં. યાદ રાખજો, હું તમારે ઘેર આવીશ. તમારું ગીત ત્યાં આવીને સાંભળીશ.રાહ જોજો."

એટલું કહીને એ ત્યાંથી ઊઠ્યો. કોઈ ન દેખે તેમ ઘરને પાછલે બારણે પહોંચી, અંદર પેસી, વારણની ઔષધિ પીને પાછું અસલ સ્વરૂપ ધારણ