આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
118
પ્રતિમાઓ
 


બેઉ જુવાનિયાંને આ વિચિત્ર માનવ-તમાશો જોઈને ખૂબ હસવું આવ્યું. ભારી રમૂજ થઈ. આવા બેકાર ડોસાને પોતાની જાહેર ખબરનો તમાશો બનાવી દેનાર એ 'શક્તિવર્ધક દવા'ના માલિકની ચતુરાઈ પર બેઉએ આફરીન ઉચ્ચાર્યું અને સુસવાટા મારતી, ગર્જતી, હુંકાર કરતી એ બસ-ગાડી આગળ ચાલી ગઈ તો પણ પેલો જીવતો તમાશો દેખી શકાયો ત્યાં સુધી વરવહુ વળી વળીને નિહાળતાં રહ્યાં. પુરુષે પત્નીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું: “શી બેવકૂફી: કેટલી પામર મનોદશા ! પૈસા રળવા ખાતર એ બુઢ્ઢાએ કેવો બેહૂદો વેશ પહેર્યો છે!”

“શું બીજા ધંધા નથી મળતા તે આમ પોતાની જાતને માણસ હલકી પાડતાં હશે !” સ્ત્રીએ પુરુષનું અનુકરણ કર્યું.

“અરે ધંધા ન મળતા હોય તો માણસે મરી જવું પસંદ કરવું જોઈએ, પણ પોતાના મનુષ્યાવતારની આવી હાંસી! આવી હીનતા!”

– ને એ હીનતાનું દ્રશ્ય વટાવીને ગાડી બાગ-બગીચાના હરિયાળા રાજમાર્ગો પર નીકળી ગઈ હતી. વર-વહુ આકાશના તારા તોડતાં માનવજીવનની પ્રથમ પહેલી મોજ માણતાં હતાં. વાયુ એની ઝુલ્ફો સાથે ગેલ કરતો હતો. પૃથ્વી તો એ બેઉથી ક્યાંની ક્યાંય નીચી રહી ગઈ હતી.

રાત્રિએ બેઉ જણાં એકબીજાના ખોળામાં ઢળી પડ્યાં ત્યારે ય તેઓને એ પાટિયાવાળો ડોસો યાદ આવ્યો ને હસી પડાયું. એ સુખરાત્રિને જાણે કે પ્રભાત ફૂટવાનું જ નહોતું.

જુવાન એક આલેશાન ઑફિસમાં નોકરી કરતો હતો. મોતીના દાણા જેવા અક્ષરો હતા. આંકડા ગણવામાં એ એક્કો હતો. એના કામમાં કયાંયે કદી ચૂક પડતી નહીં. દર મહિને નિયમિત મળતા જતા પગાર ઉપર એનો વિશ્વાસ વિશ્વનિયંતાના વહીવટ પરના વિશ્વાસ જેટલો જ અચળ હતો. અગિયાર બજવામાં એક સેકન્ડ બાકી રહે ત્યાં સુધી મગદૂર ન હતી કોઈની કે એને એના ઓફિસના કામ સંબંધી એક પ્રશ્ન પણ કરી શકે. અને સાંજના છના ટકોરા પડ્યા પછી ટેબલ પરનું પત્રક એક જ ખાતું પૂરવાને વાંકે પણ બીજા દિવસ પર મુલતવી રહેતું હોય તો તે રાખીને પણ એ ખડો થઈ ચાલ્યો