હતું
પ્રભાતે જ્યારે પોલીસ એ મુફલિસને પકડીને શ્રીમંતના ઘરમાં લઈ ગઈ ત્યારે ટટ્ટાર છાતીએ ને રૂવાબી ચાલ ચાલતો એ અંદર પહોંચ્યો.
'દિલજાની દોસ્ત' ઊંઘતો હતો. એને ઢંઢોળીને મુફલિસે જગાડ્યો, કહ્યું: “બોલી નાખો દિલજાની દોસ્ત ! આ હજાર રૂપિયાની નોટો તમે મને રાજીખુશીથી જ આપી છે કે નહીં?”
"કોણ છે આ બેવકૂફ?” 'દિલજાની દોસ્તે' નોકરો તરફ ફરીને પૂછ્યું.
"કેમ કોણ છે?" મુફલિસે યાદ દીધું :“હું તમારો જિગરજાન, તમારા કલેજાનો ટુકડો.”
“આ માણસને હું ઓળખતો નથી” શ્રીમંતે પોલીસને જણાવ્યું. મદિરા ઊતરી ગઈ હતી.
મુફલિસને લાંબી ટીપ મળી.
રસ્તાના ચોકની એક બાજુએ ફૂલોની દુકાન શોભતી હતી. કાચનાં બારીબારણાં વાટે હજારો ફૂલોની ગેંદો, માલાઓ, વેણીઓ, ગજરાતોરા, અને લગ્નસરાના પુષ્પ-મુગટો હસતા હતા. રંગો અને ખુશબો જાણે વાચા ઉચ્ચારી રહ્યાં હતાં. બે-ત્રણ દાસીઓ અંદર ઘૂમતી હતી. 85 વર્ષના એક ડોશી એક આરામ ખુરસી પર બેઠાં હતાં અને એક સુંદર કાળી ખુરસી પર બેસીને ઘરાકોની વરધી નોંધતી એક જુવાન સ્ત્રી આ ફૂલની દુકાનને ગૌરવ આપતી હતી.
ધનિકોની અને રસિકોની રોનકદાર મોટરગાડીઓ ત્યાં ઉપરાઉપરી અટકતી અને ફૂલોની ખરીદી કરનારા ફૂલભોગીઓ ઊતરી પડતા. એમાંના અનેક ઘરાકોની મુખાકૃતિ ઉપર એ ફૂલ-હાટની અધિષ્ઠાત્રી તાકીતાકીને જોઈ રહેતી. જાણે એનું કોઈ ખોવાયું હતું.
એમ તો એ દુકાનના તારીખિયા ઉપરથી કેટલી યે તારીખોનાં પતાકડાં ઊખડી ઊખડીને હવામાં ઊડી ગયાં, ને કેટલીયે મોટરો ધીરે