આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મવાલી
159
 

દાબી દીધી. ઓરતના મોં ઉપર એ પોતાના ગાલ ચાંપતો રહ્યો.

"શેઠ તો મારી બહુ જ ખબર રાખે છે હો ! પૈસાટકા આપી જાય છે. મને કહેતા હતા કે ભાભી, મારા ભાઈને છોડાવવા હું આકાશપાતાળ એક કરી રહેલ છું.”

“સાચું." બીજી બાજુ જોઈને જુવાને પોતાના હોઠ કરડ્યા. એણે સ્ત્રીને કહ્યું: “પણ તું આજ શનિવારે શા માટે આવી?”

“કેમ?”

“ના, તારે શનિવારે ન આવવું.”

“પણ, શા માટે?"

“શનિવારને ને મારે બનતું નથી. એ અપશુકનિયાળ વાર છે.

શનિવારે હું જેલમાં પડ્યો. શનિવારે મે છૂરી હુલાવી. શનિવારે મારો જન્મ થયો. મારે ને શનિવારને બિલકુલ લેણું નથી. તું કોઈ દી ભલી થઈને શનિવારે આવીશ મા નીકર તને માર્યા વિના નહીં મૂકું. ખબરદાર તું શનિવારે આવી છો તો "

અબૂધ બાળકની માફક વાતો કરતા એ ધણીને સ્ત્રી ઠંડો પાડવા લાગી: “ઠીક, નહીં આવું શનિવારે, તારી વાત ખરી છે. તું જનમ્યો શનિવારે ખરો ને એટલે જ શનિવાર સહુથી વધુ અપશુકનિયો વાર છે. પણ હવે તારે કેટલાક શનિવાર અહીં કાઢવાના છે, ભૂંડા ! શેઠ તને હાલઘડી છોડાવવાના છે. નહીં છોડાવે તો મારા દા'ડા શે’ જાશે ?”

બોલતાં બોલતાં સ્ત્રીના શરીર ઉપર જોબનની છોળો ઊછળી ઊછળીને પાછી ભાંગી જતી દેખાઈ. મુલાકાત પૂરી થઈ.

[4]

સાંજની સિસોટી વાગી ગઈ. ખણીંગ ખણીંગ બેડીઓ ઝંકારતા એક હજાર ઓળાયા અંદર આવી ગયા. એક હજાર ચકચકિત ચગદાંની પાછળ એકંદર વીસ હજાર વર્ષો પોતાનાં નિસ્તેજ મોં લઈને બુરાકોમાં પેસી ગયાં. કરપીણ મોઢાં, કાળાં મોઢાં, કુટિલ અને કદરૂપમાં મોઢાં, હચમચેલ જડબાવાળા ને ગમગીન મોઢાં, દાંતો ભીંસતાં ને આંખો બગાડતાં મોઢાં,