આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ
13
 

 દાક્તરે ગૃહપતિ તરફ નજર નાખી પૂછ્યું: “થોડુંક મળી લેવા દઈએ તો? નહીં તો આ બાઈનું દિલ સ્થિર નહીં રહે. હું સાથે જઈને મેળવી આવું.”

"ઠીક. મેળવી આવો ત્યારે."

અંદર પેસતાં જ માએ કહ્યું: “ઊભાં રહો. જુઓ, તમે બેમાંથી કોઈ: મને કહેશો નહીં. ઓળખાવશો નહીં. મારે જોવું છે, હું એને ઓળખી કાઢું છું કે નહીં.”

ટોળેટોળાં બાળકોનાં : કોઈ દડે રમતાં: કોઈ છલંગો દેતાં: કોઈ ગીતો ગાતાં: આખું ક્રીડાંગણ કિલ્લોલી ઊઠ્યું છે: એકને જોઈ બીજાને ભૂલી જવાય એવા ઘાટીલા, પ્રિયદર્શી અને ચંચળ છોકરાઓ. દેહને અણુઅણુએ જીવન નાચે છે.

એ સહુની આરપાર ધીરે પગલે અને શોધતી આંખે માતા ચાલી. અનેક ચહેરા દીઠા. એકને તો ઊભો રાખીને ધારી ધારી નિહાળ્યો. માથું ધુણાવીને આગળ ચાલી. આખરે એક ખૂણામાં એની આંગળી ગઈઃ “એ જ મારો ને?”

હા, એનો જ હતો એ. પછવાડે ચાલી આવતી દાઈને દેખતાંની વાર જ બાળકે દોટ મૂકી. “મા, મા,” કહેતો એ દાઈને બાઝી પડ્યો. દઈએ એને પંપાળીને કહ્યું: “બચ્ચા, આમને પણ તું મળ. એ તારી...”

"હું તારી બાની ઓળખીતી છું, ભાઈ” એમ વચ્ચે બોલી ઊઠીને મા છોકરાની નજીક આવી. પહોળું માથું, ચપટાં સીધાં લમણાં, રેશમિયા વાળ, ચોખ્ખી સુડોળ મુખમુદ્રા ઉપર જાણે કાલે જ ઊગી નીકળી હોય તેવી તાજી તેજીલી આંખો: પાતળિયો, ઊંચો કંડાર્યો હોય તેવો દેહ.

બાળકને પોતાની મા સિવાયનું કોઈ બહુ પંપાળે તે નથી ગમતું. આ માતાને એ વાતની ખબર હશે. એણે પોતાનું પરાયાપણું જાળવી રાખ્યું. ગોદમાં લેવા મરું મરું થતી લાગણીઓને એણે રૂંધી રાખી.

“મારી બાને તમે ઓળખતાં હતાં?” પૂછીને પુત્ર તાકી રહ્યો.

“હા ભાઈ, તારી બા પણ તારા જેવાં જ રૂપાળાં હતાં.”