આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રેમભક્તિ–ભજનાવલી



ઉગે છે પ્રભાત આજ


ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઉગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે.
રજનીના ચુંદડીના
છેડાના હીરલા શા
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે.
પરમ પ્રકાશ ખીલે,
અરૂણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે.