આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૮૯
 


અમરબાઈ એકલાં પડ્યાં. નજીકથી એના કાનમાં ભજનના સ્વરો આવતા હતા —

મારે રોમે રોમે રામબાણ વાગ્યાં;
એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં.

સ્વરોની સાથે જોરાવર હોંકારા ને પડકારા સંભળાતા હતા. પખવાજ પર એવી તે થપાટો પડતી હતી કે હમણાં જાણે એનું કલેજું તૂટી પડશે.

શાદુળનો તમાશો ચાલી રહ્યો છે.

પણ શાદુળ કોણ? શાદુળ મારો જાયો હતો, એ તો ગઈ રાતે મરી ગયો.

એનાં નેત્રોમાંથી છેલ્લાં આંસુ પડ્યાં.

જગ્યામાં આવવાને પ્રથમ દિને પણ એણે પોતાના ઉપરના પ્રેમનું સાચું સ્વરૂપ જોયું હતું એ હતું સત્તાધીશીનું સ્વરૂપ.

ગઈ રાતે પણ એણે પ્રેમનું સ્વરૂપ દીઠું. એનું જ એ સ્વરૂપઃ સ્વાર્થી પ્રેમ, ને સ્વાર્પણશીલ પ્રેમઃ એવા કોઈ ભેદ છે ખરા પ્રેમના ?

ના, ના, પ્રેમ એટલે જ લાગણીઓનો આગ્રહ : માલિકીનો આગ્રહઃ વહેમનું વિષવૃક્ષ.

પ્રેમ એટલે આત્માને વળગેલો રક્તપિતને રોગ.

કણકણી કરીને ખાઈ જાય.

પાછળ રાખી જાય એક બિભીષિકા.

શાદુળ મરી ગયો.

એવા વિચારો ચાલતા હતા તે અરસામાં જ ભજનસમારંભ વીખરાયો જણાયોય. શબ્દો સંભળાયાઃ

'ગજબ થયો. શાદુળ ભગત ઢોલિયો ન ભાંગી શક્યા.'

'એનું સત ગયું.'