આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
પુરાતન જ્યોત
 


"દેવીદાસ બાપુને પૂછ્યું'તું?”

"ના મા.”

"એની રજા વગર તમારાથી એકલા મારી પાસે ના અવાય, ભગત !”

“મારી ભૂલ થઈ છે, મા !” એમ કહીને શાદુળ ભગત પાછા ફરી ગયા. અંધારે લથડતાં પગલાં ભરતી અમરબાઈ મનના કોઈ માનવીને જાણે કહેતી હતી કે, 'શાદુળ, મારા પેટના પુતર, તને મેં વાતવાતમાં પાછા પાડ્યો છે, કચવ્યો છે. પણ હવે કેટલાક દી ? સમાધ લેવાની વાત દેવીદાસ બાપુના દિલમાં ઊગી ચૂકી છે.'

એણે ઝાંપામાં પ્રવેશ કર્યો ત્યારે બહાર લપાયેલાં ત્રણ મનુષ્યોએ અંધારામાં એકબીજાની સામે જોયું ને વાર્તાલાપ કર્યો :

“સાંભળ્યું'તું તે તમામ ખોટું.”

"ને આની તો મરવાની તૈયારી થતી લાગે છે.”

“મા, બાપુ, મારે એના પગોમાં પડવું છે.”

બુઢ્ઢો બોલ્યો : “મને તો અજાયબી થઈ છે કે દેવીદાસજીને તે દિવસે મારી મારી લોથ કર્યા પછી ગરનારમાંથી અહીં એ આવ્યા શી રીતે ?”

"આપણે આમના બહુ નિસાપા લીધા.”

"હવે આપણે જ જઈને એનો દંડ માગી લઈએ.”

આશ્રમવાસીઓને ખવરાવી-પિવરાવી લઈને દેવીદાસજી અમરબાઈની તથા શાદુળ ભગતની સંગાથે રાતનો આરાધ કરવા બેઠા છે. જગ્યામાં રાત્રી પ્રાર્થના માટે કશી જ દેવદેરી નથી. કોઈ પ્રકારની વિધિ નથી. ફક્ત દેવીદાસજી કોઈ કોઈ વાર આરાધ બોલે છે. આજ એના કંઠમાંથી એક નવીન પ્રકારની પ્રાર્થના ઊઠતી હતી. એના બોલ આવા હતા :