આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ લાગી હોય. જાતીય આકર્ષણ જેવી સર્વને સહજ ઊર્મિ તરફ શાદુળ અને અમર જેવાં માટીનાં માનવીઓ ઢળવા લાગ્યાં હોય તો પણ શી નવાઈ ! શો આઘાત ! ઘણાં ઢળ્યાં છે. અનેકની અંતર-અથડામણ ઇતિહાસમાં અંકિત છે. આશ્રમો, મઠો, મંદિરો કે આલયો, કોઈ તેમાંથી મુક્ત રહ્યાં નથી. જાતીય આકર્ષણની ઊર્મિના આઘાતોને પરચાના ભભકા પહેરાવવાના કરતાંય વધુ તો એનો જાતીય દૃષ્ટિએ ઉકેલ કલ્પું તો ઠીક, એમ વિચાર્યું.

એ મેં અહીં કલ્પેલ છે. અમરબાઈના હૈયામાં મેં સંતાન-ઝંખના મૂકેલ છે. પણ કૂખ ફાડીને આવનારું સંતાન એ જ એકલું કંઈ સંતાન નથી. નારી તો જણી જાણે છે જૂજવી જૂજવી રીતે. એ જન્માવી જાણે છે સંગીતરૂપે, સૌન્દર્યરૂપે. લલિત કલાના કોઈ પણ એક અંશનો બીજાના જીવનમાં આવિર્ભાવ કરાવીને નારી-હૃદય પોતાનું વાંઝિયાપણું ફેડે છે.

મેં ઘટાવ્યું કે અમરે શાદુળની અંદર સંતાન-સ્નેહનું આરોપણ કર્યું. પણ શાદુળે એને અન્યથા ઉકલ્યું. મેં શાદુળની આત્મોન્નતિના પંથ અતિ કારમા કરી મૂક્યા છે. મેં એનો મદ ભંગાવ્યો છે. મેં એને સંશયગ્રસ્ત કરી કરી બહુ સંતાપ્યો છે. એના દૈવતની સખત ખબર લઈ નાખી છે.

કારણ કે મારે એને દિવ્ય નહોતો બનાવવો. વૈરાગ્યના સાધનાપંથ પર અંગારા ઝરે છે. કસોટીથી રહિત સસ્તા વૈરાગ્યને પામનાર કાં જન્મથી જ જોગી હોય, ને કાં નિસ્તેજ, નિવીર્ય હોય. શાદુળ ભગતને મારે એવા નહોતા કરી મૂકવા. એને મેં મૃત્યુમાં પણ એકલતા ભોગવતા બતાવ્યા છે. એ તો છે મૂળ લોકકથાનો જ અંશ. એમને ભેળી સમાધ લેવા નહોતી આપી. શા માટે નહીં ? કારણ ગમે તે હો, પણ અમરબાઈને સંત દેવીદાસે સાથે સમાવા તેડી લીધાં, તેનું તો કારણ પણ મેં પ્રચલિત લોકકથામાંથી પકડ્યું છે : 'અમર, બાપ, હજુ તારી અવસ્થા થોડી છે, તું અજવાળી તોય રાત છો,’ એ શબ્દોની અંદર શાદુળ પ્રત્યેનો ગુરુનો ભય ડોકિયું કરે છે કે નહીં ?

આ વાર્તામાં કલ્પનાના સંભાર પૂરીને લાંબી કથા કરી નાખવાનો મારો મોહ આટલા માટે જ જન્મ્યો, કે હું એને મનોરાજ્યની કથા કરી શકું તેવા અંશો એમાં પડેલા છે. મનોવ્યાપારને રમવાની વિશાળ લીલાભૂમિ મેં આ વાર્તામાં નિહાળી. એક વૃદ્ધ, એક યુવક ને એક યુવતી – ત્રણે પાછાં પોતપોતાની રીતે જુદેરાં –– એક જ ઠેકાણે એકત્ર મળે, ને મોકળા

10