આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૯૫
 


"મને ભૂલી ગયા?” કહીને બુઢ્ઢાએ દેવીદાસજીના ખોળામાં હાથ નાખ્યો. એના પંજાને દેવીદાસજીએ પોતાના પંજામાં લઈ લીધો.

"ઓહ ! કાંઈક જુની ઓળખાણ તો જણાય છે." દેવીદાસજીએ પંજાના સ્પર્શમાંથી પરિચય ઉકેલ્યો.

"અમરબાઈના સંસારનાં અમે સાસરિયાં છીએ. તમારે માથે અમે ન કરવાનું કર્યું છે.”

"બાપ, જૂની વાતુંના ચોપડા આપણે શીદ રાખવા ?” દેવીદાસજી હસ્યા : “આપણે થોડા વેપારી વાણિયા છીએ?"

બાઈ બોલી : “અમે તમારો શરાપ માગવા આવ્યાં છીએ.”

આગલા સમયમાં સોરઠવાસીઓની પરંપરા આવી હતી. અન્યાય કરીને જેને સંતાપેલ હોય તે નિર્દોષ માણસ પાસેથી અન્યાય કરનારો શાપ માગી લેવો ને એ શાપનાં પરિણામ ભોગવી કાઢવાં. દુષ્કૃત્યોનો પણ હિસાબ ચોખો કરી નાખવાની આ પ્રણાલિકા લોક-સંસ્કારની મહત્તા હતી.

દેવીદાસજીએ મોં મલકાવ્યું : “માડી ! શરાપ માગવો હોય તે અમરમા પાસે માગો. મને નવાણિયાને વચમાં કાં કૂટો ?”

આહીરાણી અમરબાઈ તરફ ફરી. વર્ષો પૂર્વે શોભાવડલાથી પોતે સાસરે જતી હતી તે દિવસ અમરને સાંભર્યો. નીંદરભરી પોતાની આંખો આ જ સ્ત્રીના માતૃ-ખેાળામાં જંપી ગઈ હતી. પછી પોતાની સામે આ જ પરસાળમાં રાતી આંખો કરનાર પણ આ જ સ્ત્રી હતી. ખોળો પાથરીને અત્યારે એ કરગરે છે: “માવડી, અમને શરાપો.”

વૃદ્ધ સસરો પણ અમરબાઈ તરફ ફર્યો ને બોલ્યો: "મનેય શરાપો મા !”