આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૯૭
 

કાંધે ચડાવ્યો. ને વળી હું તો જીવતે જીવે એ બે જોગંદરોની કાંધે ચડી આવ્યો. અમરબાઈને પણ એનો મિલાપ થયો; આવા બડભાગી અમને બીજું કોણ કરત?"

આહીરોની આંખો ટપકવા લાગી.


[૨૦]

તે પછી થોડાં વર્ષે દેવીદાસજીએ સ્વજનોને તેડાવ્યાં. કહ્યું કે, “કંકોતરિયું લખો.”

હાજર હતા તે સમજી ગયા કે એ કંકોતરી લખવાનો ભેદ શો હતો.

"ઊભા રહો, હું અમરબાઈની રજા માગી લઉં.”

એણે અમરબાઈ ને પાસે બોલાવ્યાં. હાથજોડ કરીને કહ્યું: “બાપ, મને રજા છે ?” દેવીદાસજીના વદન ઉપર નવા જન્મનું નોતરું ઝળકતું હતું.

"હું ભેળી આવું તો?" અમરબાઈ હસ્યાં.

“બહુ વેલું કહેવાશે, માતા!”

“લાજઆબરૂભેર વે'લા પહોંચી જાયેં એ જ ઠીક છે.”

"તને કાંઈ ડર રહ્યો છે, મા?”

“ડર તો નથી રહ્યો.”

"ત્યારે ?”

“અંજવાળી તોય રાત છું ને?"

“ભલે ત્યારે, બેયની કંકોતરી ભેગી કઢાવીએ.”

ચોક્કસ મહિનાની મુકરર તિથિએ, ચોક્કસ ચોઘડિયે ને ચોક્કસ ઘડીએ દેવીદાસજી અને અમરબાઈ સમાધ લેવાનાં છે, માટે સહુ સંતો ઉજવણે આવજો, એવી મતલબના શુભ કાગળો 'ગત્ય'માં દશે દિશાએ લખી ખેપિયા રવાના કરવામાં આવ્યા. અને જગ્યામાં જૂના સંતો જસા વોળદાનની બે