આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૧૦૫
 

ચાલી જાય છે, મૂંડિયું માથું, ઉપર ચૂંદડીનો ટુકડો, ખભે લીલો હજૂરિયો (રૂમાલ), ડોકમાં માળા, ને આખે અંગે સફેદ અંચળો.

સાંજે ઝોળી લઈને પાછા વળે ત્યારે સીમમાં કાઠીએની જૂની ખાંભીઓ ઊભેલી જુએ, જોઈ જોઈને એ પથ્થરને પોતે કહે કે —

'આપાઓ ! આંઈ તડકે શીદ તપો છો? મરી રે'શો મરી. હાલોને મારી ભેળા, મૂંડિયાઓને છાંયો કરવા !'

એમ કહીને શાદુળ ભગત ખાંભીને ખંભે અથવા માથે ઉપાડી લ્યે. છેક જગ્યામાં લાવીને એને ખડકે. એમ રોજેરોજ ઉઠાવી આણેલા પાળિયાઓનું ચણતર ચણીને શાદુળ ભગતે જગ્યાની જુની ડેલી બાંધી : આશ્રિતોને છાંયો કરવા.

*

સધ મુનિવર મળ્યા સામટા
જોડી જાડી જાન,
કેસરિયો શાદલ તણો
રોક્યો કિં રિયે રામ !

“ભગત,” વાણિયો આવીને કરગર્યો, “મને શેર માટી અપાવો.”

"વાણિયા, તારા પ્રારબ્ધમાં દીકરો નથી.”

વાણિયો પાછો ગયો. સાંભળ્યું કે કોટડા ગામે પરબની જગ્યાના શિષ્ય રામવાળાનાં ભજન છે. વાણિયે ભજનમાં ગયો.

રામવાળાના ઘરમાં માંગલબા નામની કાઠિયાણી હતી. તેય પણ ભક્તિમાર્ગી હતી. ભજનની ત્યાં ઝૂક બોલી. ભજન ખતમ થયાં. ભજનિકો વીખરાઈ ગયા. રામવાળાની સામે વાણિયો બેસી રહ્યો.

"બેસી કાં રિયા?”