આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
પુરાતન જ્યોત
 

પણ તમારા – અરે આપણા સૌનું પૂજવા ઠેકાણું જમિયલશા જોગીનો ગિરનારી ગોઠિયો છે દાતા દત્તાત્રેય.

દાતા મેરે દતાતરી
ને મેકો મંગણહાર.”

"જાવ, જાવ બાપુ.” જઈફ મુસ્લિમે બીજા સર્વની સામે ઈશારત કરી કે ચૂપ રહો.

"ઊભા રો', ઊભા રો', સાંભળતા જાવ !” એમ કહીને મુસાફરે બુલંદ ગળે ચાબખો માર્યોઃ “હું તો તમને–અમને બેઉને સંભળાવું છું:

ઠાકર તે ઠુકાયો,
મુલ્લાં ડિનીતે બાંગ,
ઉન માલક જે ઘરજો
છે નકોં તાંગ.”

ઠાકર-મંદિરમાં આરતી ઠોકાય છે અને મસ્જિદમાં મુલ્લાં બાંગો દઈ બોલાવે છે. પણ એ માલિકના ઘરનો તમને ક્યાંય પત્તો નથી મળતો. અને વળી–

ઊંચો થિયે નીચો થિયે,
હથ દો કિયા હીં;
ફોકી ધેાઈ ફૂટરો થ્યો
અલા મિલેંદો ઈં!

એમ અલા મળશે ? ઊઠબેઠ કરવાથી ને હાથ ઊંચાનીચા કરવાથી ? પૂંઠ ધોવાથી ને રૂપાળા થવાથી ?”

મુસ્લિમો ગામડિયા હતા. સાફ દિલના હતા. એ દિલ પર આ શબ્દચાબુક પડ્યા. કોઈએ કહ્યું :

“સાચા શબ્દ છે.”

"પતંગશા પીર શું કરે છે? તમારા ભાઈ?” જાણકારે કુશળ ખબર પૂછ્યા.