આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
પુરાતન જ્યોત
 


સંગત જેં જી સુફલી
જનમેં રામ નાય રાજી
જેં જેં પૂછડે પ્યા પાજી
તેંજી બગડી વઈ બાજી.

બૂરી સંગત જેઓ કરે છે, તેમાં રામ રાજી નથી. જેમને પૂંછડે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે.

એક દિવસ કચ્છના રાજા રા'દેશળજી શિકારે નીકળ્યા છે. સાથે બીજા સાથીઓ પણ છે. સાંજ પડી ગઈ છે.

"ઓલ્યાં બે જાનવર કોણ હાલ્યાં જાય છે ડુંગરામાં?” રા’ દેશળે ચકિત બનીને પૂછ્યું.

"એક ગધેડો ને એક કૂતરો છે.” સાથીઓએ સમજ પાડી.

“આ પહાડમાં ગધેડો ને કુત્તો !” રા'ને નવાઈ લાગી. અહીં તો ચિત્તાઓનો વાસ છે. અહીં મારા એ શિકારનાં જાનવર ગધેડા-કૂતરાને જીવતા જ કેમ રહેવા દે ?"

"નધણિયાતાં નથી બાપુ ! એનો ધણી જબર છે.”

"કોણ ?"

"એક જોગી છે. નામ મેકરણ. એનાં પાળેલાં છે બેઉ.”

"રેઢાં રખડે છે?"

“ના. ભૂજની ખેપે જઈને આવે છે.”

“ભૂજ જઈને ? રેઢાં? શા માટે ?"

"બાવો મેકરણ એને અનાજ લેવા મોકલે છે. કૂતરાની ડોકે બાવો ચિઠ્ઠી બાંધે છે. બધાને લઈને કુત્તો ભૂજના શેઠિયાઓ કને જાય છે. ચિઠ્ઠી પ્રમાણે અનાજ લુવાણાઓ ગધાની પીઠે લાદી આપે છે. ગધાની રક્ષા કુત્તો કરતો હોય છે. એની ગંધમાત્રથી પણ આપણા પહાડી ચીતરા ભાગી નીકળે છે."

“આ દાણાદૂણીનું બાવો શું કરે છે?"

"રણને કાંઠે ભૂખ્યાંદુખ્યાંને રોટલા ખવરાવે છે.”