આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
પુરાતન જ્યોત
 


“સાંસતિયા ! કાઠીની અસ્તરી તોળી, એની ઘોડી અને એની તરવાર.”

"હાથે આ શું થયું ?”

"સંતાણો, તમારા જણે ઘોડીનો ખીલો ધરબ્યો. નીચે મારો પંજો જરા આવી ગયો.”

“તોય તમે બોલ્યા નહીં? સળવળ્યા નહીં?"

"નહીં, હું ચોર છું.”

સાંસતિયાએ તોળલદેની સામે નજર કરી. નજરે નજર વચ્ચે વાતો થઈ ગઈ. વાત બે જ જણાં સમજ્યાં. જુઓ છો સતી? ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઈ? આવા ટેકીલા આદમી કેટલાક દીઠા ? હજારુંમાં એક ? ના, ના, લાખુંમાંય એક ગોતે જડે નહીં. આવા વજ્રદિલવાળાની સુરતા પોતાનું નિશાને બદલે તો? હરિને માર્ગે ચડે તો? તો કાંઈ મણા રહે ખરી? તો આભે નિસરણી માંડે ને ?

જેસલ જાડેજો: કચ્છ ધરાનો કાળભૈરવ : હત્યાઓનો કરનારો : ગાભણીના ગાભ વછૂટી પડે એવી જેની દયાહીન હાક : જેસલનો રાહ પલટે, તો લાખ માનવીની દુવા જડેઃ જેસલનું નિશાન તકાય, તો પ્રભુનેય પૃથ્વી પર પડવું જોઈએ.

“આને કોણ પલટાવે?” તોળલે કંથને કહ્યું.

"શૂરાને કોણ બીજું પલટાવે? સતી હોય તે.”

તોળલ પતિના બોલનો મર્મ પામી ગઈ. કાઠીએ ફરીથી કહ્યું :

"સતી, જેસલજી તમને તેડું કરવા આવ્યા. તમારે વાસ્તે એણે આટલો બધો દાખડો કર્યો. ને આજ તો બીજની રાત છે. આજ જ્યોતની રાત છે. આજે અભિયાગત ખાલી હાથે પાછો કેમ વળશે સતી ? અરે, કોઈ મારી તરવાર લાવો.”