આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
પુરાતન જ્યોત
 



ફોડી સરોવર પાળ તોળી રાણી
ફોડી સરોવર પાળ જી !
ગોંદરેથી ગૌધણ વાળિયાં
મેં તો ગોંદરેથી ગૌધણ વાળિયાં
તોળાંદે રે... એમ જેસલ કે' છે જી.—પાપ તારાં૦

લૂંટી કુંવારી જાન તોળી રાણી !
લૂંટી કુંવારી જાન જી,
સાત વીસ મોડબંધા મારિયા
મેં તો સાત વીસ મોડબંધા મારિયા,
તોળાંદે રે... એમ જેસલ કે છે જી.—પાપ તારાં૦

જતા મથેજા વાળ તોળી રાણી !
જતા મથેજા વાળ જી,
એટલા અવગણ મેં કર્યા
એટલા અવગણ મેં કર્યા
તોળાંદે રે... એમ જેસલ કે છે જી.—પાપ તારાં૦

પુણ્યે પાપ ઠેલાય જાડેજા !
પુણ્યે પાપ ઠેલાય જી,
તારી બેડલી બૂડવા નહીં દઉં
તારી નાવડી ડૂબવા નહીં દઉં
જાડેજા રે... એમ તોળલ કે છે જી.—પાપ તારાં૦

*

કાઠિયાણી, બેસી જા બેલાડ્યે," કાળભૈરવ જેસલે કાઠી-ગામ પાઉંપટણની સીમ બહાર જઈને તોળલને ઘેાડી માથે પોતાની પાછળ બેસી જવા કહ્યું.

"જાડેજા !” તોળલે શાંતિથી કહ્યું : "ઘોડીને નાહક માર શીદ દેવો ? તમે તમારે હાંક્યે રાખો. હું પેંગડું પકડીને હાલી આવીશ.”

"મરી રહીશ મરી." જેસલે વિકરાળ હાસ્ય કર્યું.