આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૬૧
 

ઓરત ! આ કેમ મોતથી ડરતી નથી? પ્રલયની સામે મોં કેમ મલકે છે એનું?

“ઓય ! માર્યા !” – પવન અને મોજાંની એક પ્રચંડ થપાટ, અને હલતો દાંત પડી જાય તેમ વહાણે પછડાટી ખાધી..

"વોય ! કાઠિયાણી ! બચાવ મને.” જેસલના મોંમાંથી કાયર શબ્દો પડ્યા. રુદન નીકળ્યું.

"જેસલ જાડેજા !” તોળલ હસી; "કચ્છના મોટા જોધાર ! મોત તમને ડરાવી શકે છે? જાડેજા જેસલને મોતનો ભે !”

"તારે પગે પડું.” જેસલ લાચાર બન્યો.

“જેસલજી, પરભુને પગે પડો. ધણીનું નામ લો.”

"ઓ મારા બાપ !” ઉતારુઓમાંથી કોઈકે નામ સાંભળતાં જ ફાળ ખાધીઃ “આ તો કચ્છ અંજારનો જેસલ !”

"જેસલ ! અરર ! જેસલિયો આ હોય? આ તો મોતથી બીવે છે.”

“આવો બાયલો !”

"જેસલજી,” કાઠિયાણીએ કહ્યું : “સાંભળો છો ને ?”

“ઓ બાપ ! ઓ મા !” જેસલની જીભે બીજા બોલ નહોતા.

"પીટ્યો હત્યારો આપણી ભેળે ચડવ્યો છે. એનાં પાપે વહાણ બૂડે છે. એનાં પાપે મારાં છોકરાં મરશે.” એક બાઈ એ ચીસ પાડી.

"પીટ્યાનું સત્યાનાશ જજો” બીજી બાઈએ જેસલની સામે દાંત કચકચાવ્યા.

"આ પાપીને કાઢો, કાઢો એને વહાણ બહાર.” ઉતારુઓએ ચીસ નાખી.

“એલા નાખો એને દરિયામાં. ભલે બત્રીસો ચડે દરિયાપીરને.” લોકો ધસી આવ્યાં.