આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૧૫
 

ગઈ. એનાથી એક જ બોલ બોલાયો – જે બોલ જનેતાના કલેજાના હજાર હજાર ચીરા ઉપર પ્રભુની મીઠી ફૂંક સમો બનેલો છે.

“બેટા !”

“મા !” પુરુષના મોં પર શ્રદ્ધાની છોળો છલકી : “મારનાર કરતાં જિવાડનાર મોટો છે.”

થોડા વખત પર સીમાડાની રેખા ઉપર જે માણસો તબકતાં હતાં તે બધાં રેતીના પણ્યાને ખૂંદતાં આવી પહોંચ્યાં. ભેખડ ઉપરથી આનંદના ધ્વનિ ઊઠ્યા કે, “એલા હેઈ ! આ રિયા, દેવીદાસ બાપુ આ રિયા."

કિકિયારી પાડીને ટોળું આવી પહોંચ્યું.

વિલક્ષણ લોકવૃન્દ હતું.

કોઈ ખેડુ, કોઈ ગોવાળ, કોઈ ગામડિયો વેપારી, કોઈ દાતણ વેચનારો વાઘરી, કમ્મરે પછેડીઓ બાંધેલી. કોઈના ગળામાં પખવાજ, કોઈના હાથમાં કાંસિયા, મંજીરા, એકતારો વગેરે સમૂહગાનનાં વાજિંત્રો હતાં.

"અરે મા'રાજ !” લોકોમાંથી એક જણે ઠપકો દીધો : “ભર્યા સામૈયામાંથી ભાગી નીકળ્યા ? ગામ આખું કેટલું નિરાશ બનીને થંભી રિયું છે !"

"શું કરું ભાઈ!” 'મહારાજ' અને દેવીદાસ બાપુના સંબધને ઓળખ પામેલા એ પુરુષે શરમાઈને જવાબ દીધો: “મારો ધંધો જ શિકારીના જેવો થઈ પડ્યો છે ને ! કોઈ લોધીને મોટા માછલાના વાવડ દ્યો, કોઈ શિકારીને રૂડા કાળિયાર સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે, ભાઈ ?”

બોલતા બોલતા જુવાન દેવીદાસ ડોશીનાં લોહીપરુ લુછતા હતા.