આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૨૧
 

એનાં પોપચાં હજુ અરધાં ઉઘાડાં જ હતાં. સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું : “સૂઈ જા, પાછું જાગરણ ભારે પડી જશે, ડાહી !”

એ અર્ધસ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખને પૂરેપૂરી ઢાળી દીધી.

*

પારણાના હીંચોળાટ બંધ પડતાં જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની પણ નીંદ ઊડી ગઈ. વેલડું ઊભું રહ્યું હતું.

આખે માર્ગે વગડાની ગરમ ગરમ લૂ વાતી હતી, તેને બદલે વેલડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટિ ફેરવી. વેલડું લીલાં લીલાં ઝાડની ઘટા નીચે ઊભું હતું. ચૈત્ર મહિનાની નવી કૂંપળોએ કોળેલા લીમડા વીંજણો વાઈ રહ્યા હતા. એ કડવાં ઝાડોનો મોર મીઠી ફોરમોને ભારે પવનની પાંખોને નમાવતો હતો. પીપરાનાં પાંદ ઘીમાં ઝબોળ્યાં જેવાં ચમકતાં હતાં. એક નાની પરબની ઝુંપડી બાંધેલી હતી. નાની એક કૂઈ અને અવેડો હતાં. અવેડો ભરતો એક આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા ‘સત દત્તાત્રય' 'સત દત્તાત્રય' બોલતો હતો.

છાંયડામાં અમરબાઈની સાસુ ઊભાં ઊભાં એકબે જણાએની સાથે વાત કરતાં હતાં. સાસુના કદાવર ઘાટીલા આહીરદેહ ઉપર ગૂઢા રંગનું મલીર છૂટે છેડે લહેરાતું હતું. સાસુનું ગરવું સ્વરૂપ નીરખ્યા જ કરીએ છતાં ન ધરાઈ એ એવી મીઠાશે નીતરતું હતું.

સાસુની વાતોના બોલ અમરબાઈ એ ભાંગ્યાતૂટયા પકડ્યા:

"આવ્યો છે ? ભાઈ આંહીં સુધી સામો આવ્યો છે ?”