આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૨૩
 

આવી દેવી જગ્યા ! આવું થાનક ! થાક્યા-પાક્યાનો વિસામો ! એની જ હવા બગડી હવે તો.”

એટલું કહીને સાસુ સ્નાનાદિકમાં પરોવાયાં. બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા. ચકમક ઝગાવીને ભૂંગળી પીવામાં સહુ મસ્ત બન્યા. તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી.

પોતાનો સ્વામી સામે લેવા આવેલ છે, એ પોતે જાણ્યું હતું. એની આંખો દૂરદૂરના એક વડલાની છાયામાં વડના થડનું ઓશીકું કરી પડેલા જુવાન આહીરને શોધતી હતી. પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા. પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી.

ખેંચાતી ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ. એારડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાડ હતી. વાડની પછવાડે એ ફરવા લાગી. બૂમ વાડની અંદરથી આવતી હતી. વાડની આરપાર એણે નજર કરી. બિહામણું એ દ્રશ્ય હતું. રત્નેશ્વરના દરિયામાંથી બચાવીને આણેલી ડોશીની રક્તપિતની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાનાં પાંદ નાખીને એ દરદીને નવરાવતા હતા. | દુખાવાને લીધે બૂમ પાડતી ડોશીને દેવીદાસ દિલાસા દેતા હતાઃ “નહીં, નહીં, મારી મા ! અમ પુરુષના ગર્ભ વેઠનારી ને અનોધાં દુઃખ સહેનારી જનની ! નહીં દુખાવું તમને. તમમાં તો હું જોગમાયાનું, અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું, મા !”

ડોશીનું અર્ધ મૃત્યુ પામેલ કલેવર એક જ ઉચ્ચાર કરતું હતું : “મારો કેદાર ! મારો લાલિયો !”

“અરેરે કેવાં સ્વાર્થી છો મા !” કહીને દેવીદાસ હસતા હતાઃ “મને તમારો કેદાર નહીં કરો શું ? ને હું તમારા ખોળામાં