આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૨૫
 

જગ્યાના ચેગાનમાં ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. ચોગાન ઓળંગીને એ ઓરડામાં પહોંચી, ને ત્યાંથી પાછલી પરસાળમાં.

પોતાના પગનો સંચળ સંભળાવ્યા વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોંસરું જે દ્રશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીઠું.

દેવીદાસે ડોશીને એક ખાટલા ઉપર લીમડાનાં પાંદની પથારી કરીને સુવરાવી હતી. હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા : “હવે જુઓ મા, હું ઝોળી લઈને જાઉં છું રામરોટી માગવા. સાંજે પાછો આવીશ. પડખેના ઓરડામાં વાઘરીની દસ વરસની છોકરીને સુવરાવી છે. એ બૂમો પાડે તો તમે એને અહીં સૂતાં સૂતાં છાની રાખજો હો મા ! એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે, વધુ નથી.”

ઝોળી લઈને સન્મુખ બનતાં જ દેવીદાસે અમરબાઈને ઊભેલી, બે હાથ જોડીને પગે લાગતી દેખી.

“અરે, અરે, અહીં નહીં બોન ! અહીં નહીં, બહાર, બહાર ....” કહેતાં ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપસુંદરીને બહાર જવા ચેષ્ટા કરી.

અમરબાઈ ન બોલી, કે ન હલીચલી.


[૫]

ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને આથમતા કાળની આસમાની ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી. અમરબાઈના મોં ઉપર પણ ઊભરાતી આશાના જોબનરંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ, પરિવર્તન દેખાયું પણ પરિવર્તન ક્યારે બની ગયું, તેની પળ ન જડી. એને પોતાને જ ન જડી. કેટલાક