આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
પુરાતન જ્યોત
 


અમરબાઈને પણ ત્રાજવામાં તોળાવાની ઘડી આવી પહોંચી. ઘડીકના વૈરાગ્યે તો મને રોકી નથી રાખીને ? વૈરાગ્યના પણ શોખ હોય છે, વૈભવ હોય છે, વાસના હોય છે. જુવાન અમરે પોતાના આત્માનું તળિયું, દીવો ઝાલીને તપાસ્યું. ત્રણ દિવસ સુધી એના મનોભુવનમાં રસાકસી ચાલી. હારજીતની અનેક ઘડીઓ આવી અને ગઈ. મનમાં મોજાં ચડી ચડીને નીચે પછડાયાં.

આ તો અગ્નિસોંસરા નીકળવાનું હતું. 'જોગમાયા' કહીને એને પગે નાળિયેર ધરવા લોકો નહોતાં આવવાનાં.

“અમરબાઈ બેટા,” સંતે પૂછી જોયું: "કેટલી અવસ્થા થઈ?"

“વરસ વીશની.”

"કદી લોકોની જીભનું માઠું વેણ સાંભળ્યું છે ?"

"કદી નહીં. અમારું ખોરડું પૂજાતું.”

"એ જ વિપદની વાત બની છે દીકરી ! ઘણના ઘા ઝીલ્યા વિના શી ગમ પડે કે મોતી સાચું છે કે ફટકિયું? ને દુનિયાએ જેને એકલી સારપ જ દીધી છે તેના જેવું કોઈ દુઃખી નથી. જગતના બોલ એની ચોગમ કાળમીંઢની દીવાલો ચણી વાળે છે. દુનિયાની ઈજ્જત-આબરૂ એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત."

મોડી રાત સુધી સંતે આ તરુણીને ટીપી ટીપી ઘડ્યા કરી.

મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ. ચંદ્રમા આકાશની શોભા વચ્ચે બેઠે બેઠે પૃથ્વી પર સૂતેલીને એકીટશે નીરખતો હતો. ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જાગતાં હતાં બે જ જણાં : એક ધેનુ ને બીજા દેવીદાસ. સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા.