આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
પુરાતન જ્યોત
 

આવરદાભરમાં એકેય વાર જૂઠ નથી બોલ્યો, એટલે આ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે ?”

અમરબાઈના કંપતા હોઠ ઉપર દડ દડ દડ આંસુઓ દડી ગયાં. “પાપીઓનો આટલો બધો ત્રાસ ! ગુનેગાર હું હતી. મારા કટકા કરવા’તા ને? પણ મારા બાપને, અરે, આટલા નિરાધારોના આધારને શા માટે સંતાપ્યા? એ દુષ્ટોની કોઈ ખબર લેનાર નથી શું ?”

“અમર ! બેટા ! કોઈની ખબર લેવાનો કોઈ કોઈને હક્ક નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ ધાવ્યો છું ના !” બોલતાં બોલતાં સંતે પોતાના બાહુઓ લાંબા કર્યા.

ખુલ્લો દેહ પહાડ સમ પડ્યો હતો. બાહુઓ લોઢાની અડીઓ જેવા પ્રચંડ હતા. ટટ્ટાર બનેલી ભુજાઓ ઉપર માંસની પેશીઓ મઢેલી દેખાતી હતી. ઘડીભર આ દેહછટા દેખીને અમરબાઈને દિલમાં ઓરતો થયો, કે આવા વજ્ર પંજામાં પકડીને સંતે શા માટે એ શત્રુઓની ગરદનો ચેપી ન નાખી ?

દેવીદાસના હાથ ફરીથી પોચા પડીને નીચે ઢળ્યા.

“અરે ઈશ્વર !” એણે એક નિઃશ્વાસ નાખ્યો: હજી - હજીય કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું ! શી પામરતા ! મેં મારા ભુજબળનો દેખાડો કર્યો. ગુરુ દત્ત ! મને, મૂરખા રબારડાને ક્ષમા કરો.”


[૧૩]

ભળકડાનાં તિમિર વીખરાતાં હતાં. સંતે કહ્યું: “હવે ઊઠીએ દીકરી. ને હરિનાં બાળને દાતણપાણી કરાવીએ.”

"તમે ઊઠી શકશો ?”

"હવે મને શું છે? દેહ તો હકીલો બળદિયો છે. એને ખીલો ન છંડાવીએ તો તે વકરી જાય. એ બાબરા ભૂતને