આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૬૯
 

ભેંસાણ ગામના કાઠી આલા ખુમાણના આ શાદુળ ખુમાણ નામે પુત્રને સંત ઠીક ઠીક પ્રમાણમાં પિછાનતા હતા. શાદુળ એક સુપાત્ર જુવાન છે. ઊંચા સંસ્કારનો ધણી છે. અહીં આવતોજતો રહે છે. નામીચી કોમનો, નામીચા કુટુંબનો દીકરો છે, જગ્યામાં બેસી જશે તો જગ્યાની પ્રતિષ્ઠા વધશે.

જગ્યાની પ્રતિષ્ઠા વધશે એ અંકુર સંત દેવીદાસના અંતરમાં અણજાણ્યો ફૂટ્યો. હૃદયની ભોમમાં કોઈ રડયું ખડ્યું બીજ પડી રહેલું હોય છે તેનો ઓચિંતો કોંટો ફૂટે છે. એનો અવાજ થતો નથી, એની આંતરિક ક્રિયા સમજાતી નથી. કોઈ વાર એ બીજ વિષવૃક્ષનું હોય છે.

“ભલે બાપ શાદુળ !” સંતે વિભૂતિ લઈને તિલક કર્યું. "આજથી તું ગુરુદત્તનો મહાપંથી બન્યો. લૂગડાં બદલી લે.”

શાદુળ ખુમાણે પનિયાની કાછડી વાળી રજપૂતીનો લેબાસ દૂર ફગાવી દીધો. તે જ સાંજે સંતે શાદુળના ખભા ઉપર ભિક્ષાની ઝોળી મૂકી. પચીસ વર્ષના કાઠી કુમારે પડખેના ગામડામાં 'સત દેવીદાસ' શબદની ટહેલ નાખી.

અને તે દિવસની રાતે તો શાદુળને જાણે કે દેવીદાસની જગ્યા પોતાના જૂના જૂના માતૃધામ-શી ભાસી.

એનું એક કારણ હતું : અમરબાઈનું સાથીપણું.

‘શાદુળ ભગતને જોગી વેશ કેવો દીપે છે!' અમરબાઈના હૃદયમાં આનંદની એક લહેર ઊઠી.

શાદુળના અંતરાત્મામાં પણ ધ્વનિ થયો : ઘરમાં બબે ભાભીઓ હતી, છતાં, એકેયને મારી બહેન કહું એ હૃદયસંબંધ નહોતો જામી શક્યો. ભાભીઓ એનાં બાળગેપાળ અને ઢોરઢાંખરમાં પરોવાયેલી રહેતી. મારા ભેંસો ચારવાના કામમાં બેમાંથી એકેય ભાભીને રસ નહોતો. અહીં તો અમરબાઈ બહેન રોજ સાંજે મારે ખભેથી ઝોળી ઉતારવાની વાટ