આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૭૫
 

ખેંચતી વેળા એ ગાન એને વિરામ લેવરાવતું, સ્ફુરણા દેતું, ખેંચાતી ગાગરને, ભુજાઓની પેશીઓને, બિન્દુ બિન્દુ રુધિરને, આખા દેહના રોમેરોમને તાલબદ્ધ છંદની રમતે ચડાવતું. જલભરનની ક્રિયા કવિતામય બની જતી.

અમરબાઈનો તો નારી-આત્મા હતો. કવિતાના સૂર એને જગ્યાની દિનચર્યા કરતાં વિશેષ ગમવા લાગ્યા. વાસીદું કરતી એ સાવરણી પર શરીર ટેકવીને થંભી રહેતી. કૂવાકાંઠે જાણે કે સ્વરોની કૂંપળો ફૂટતી :

માનસરોવર હંસો
ઝીલન આયો જી !

પોતે પણ ઝીણા કંઠે ઝીલતી :

માનસરોવર હંસો
ઝીલન આયો જી!

કૂવાકાંઠે વધુ બોલ, વધુ પ્રબલ બોલ ફૂટતા :

વસતીમેં રેના અબધૂત !
માગીને ખાના જી.
ઘર ઘર અલખ જગાના મેરે લાલ !
લાલ મેં તો જોયું તખત પર જાગી.– માન૦

શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો લેખાય. મીરાંએ, નરસૈયાએ, કંઈકે પ્રભુને રાગ વાટે સાધ્યો છે. સંતે તે દિવસે દેહને શા માટે તોછડાઈથી વર્ણવ્યો ? કાયાની અંદર તો કેવી કેવી વિભૂતિ મૂકી છે કિરતારે !

સારું થયું કે શાદુળ ભગત રક્તપીતિયાંની સેવામાં ન ગયા. હું એના હૈયાના ગાનને પંપાળી બહાર લાવીશ.