આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
86
પુરાતન જ્યોત
 

મુક્તિપંથની સીડી એના કંઠમાંથી મંડાશે.

શાદુળને કાને સંભળાય તેવી રીતે પોતે સૂર પુરાવતાં થયાં :

ઇંદરીકા બાંધ્યા અબધૂત !
જોગી ન કે' ના જી !
જબ લગ મનવા ન બાંધ્યા મેરે લાલ !.
લાલ મેં તો જોયું તખત પર જાગી. — માન૦

આ પદનો અર્થ સમજવાની જરૂર નહોતી. એના બોલની અને એના ડોલન્તા ઢાળની મસ્તી શાદુળના દેહ-પ્રાણમાં પ્રસરતી ગઈ.

ધીરે ધીરે ખીંટી પર ટીંગાતો તંબૂરો નીચે ઊતર્યો. એની રજ ખંખેરાઈ, રઝળતા મંજીરા એકઠા થયા. એને દોરી બંધાઈ. એકાદ ઢોલક પણ વટેમાર્ગુઓમાંથી કઈક ભજનપ્રેમીએ આણી આપ્યું. નવાં નવાં પદોની શોધ ચાલી. રાતની વેળાએ જ નહીં, દિવસના ફાજલ પડતા ગાળામાં પણ આ ભક્તિરસના તરંગે બેઉ જણાંને આનંદસાગરની અધવચાળે ખેંચવા લાગ્યા.

'આપણી જગ્યામાં આ એક ખામી હતી તે પુરાઈ ગઈ.' અમરબાઈને અંતરે પ્રફુલ્લિત અભિમાન સ્ફુર્યું.

પંથે ચાલતા પથિકની અને માલ ચારતા માલધારીઓની પણ પછી તો ત્યાં ભીડ થવા લાગી. જગ્યાનો મહિમા પવનવેગે પ્રસરતો થયો.

કોઈ કોઈ વાર દેવીદાસજી ધીરે રહીને કહેતા, “આજ તો બાપ, ઝોળી ફેરવવા જાવાનું કાંઈક મોડું થઈ ગયું હતું ! ઠીક, કાંઈ ફિકર નહીં.”

એમના અંદર ગયા પછી બન્ને જણાંનાં મુખ પર કચવાટની રેખાઓ દોરાઈ જતી.

દિલમાં બન્ને સમજતાંઃ જાત રબારીની ખરીને, એટલે કાવ્યમાં, કીર્તનમાં, સંગીતમાં સૂક્ષ્મ રસ ક્યાંથી હોય?