આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
પુરાતન જ્યોત
 

કમાડના નકૂચાના નરમાદામાંથી નર તૂટી ગયો.

"કોણ છે !” અમરબાઈએ જાગીને પડકાર કર્યો.

"કોઈ નથી."

આવો જવાબ અમુક અમુક સ્થાનમાં અનેક માણસોના મોંએથી નીકળી પડે છે. એવા જવાબમાં ધ્વનિ એવો હોય છે કે મારું પોતાનું તો અહીં આ વખતે હોવું એ સાવ સ્વાભાવિક વસ્તુ છે.

"કોણ? શાદુળ ભગત ?”

“હા અમરબાઈ.”

“ત્યારે કેમ કહ્યું કે કોઈ નથી ?”

“ના, એ તો હું જાગતો'તો, તમારી આશિષો લેવી હતી, એટલે આવેલો. પણ કમાડ કોણ જાણે કેમ ખડી ગયું.”

“એ તો ઓરડામાં રાતવેળાની મીંદડી ચાલી આવે છે એટલે મેં બંધ કરેલું હતું. શાદુળભાઈ ! બહુ જાહલ કમાડ છે એ તે હું જાણતી જ હતી. પણ કૂતરાં-મીંદડાંને રોકવા પૂરતું કામ લાગતું.”

"અંદર કોઈ હતું અમરબાઈ?” શાદુળે અવાજને હળવો પાડી નાખ્યો.

જવાબ ન મળ્યો. શાદુળે ફરીથી પૂછ્યું :

"અંદર કોણ હતું ?"

અમરબાઈ ચૂપ જ ઊભાં રહ્યાં.

"હું પૂછું છું,” શાદુળના અવાજમાંથી શકીલી સત્તાધીશી બરાડી ઊઠી, "કે તમે આટલી બધી છાની વાત કોની સાથે કરતાં'તાં બાઈ અમરબાઈ ?”

માથા પર પડતાં ચાંદરણાં આડી પોતાના હાથની છાજલી કરીને શાદુળ અમરબાઈના ચહેરા પર નજર ફેરવી. નીચાં ઢળેલાં નયને સાધ્વી ઊભી હતી. એની અબોલતાએ