આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦. રાજહંસને સંબોધન

બહુ દિવસથી સ્વેચ્છાએ તેં પ્રવાસ શરૂ કર્યો, સર સરિત કૈં જોતાં જોતાં એક જગે ફર્યો; હજી પણ, સખે! પાસે આવ્યું ન માનસ તો દીસે, વિરતિ કરી લે માટે આજે હવે સ્થલ આ વિશે!

વિકટ વનથી થાકી દૃષ્ટિ જરા અહીંયાં ઠરે, અનિલલહરી આવી પાસે તનુશ્રમને હરે; મૃદુ રવ વળી ધીમે ધીમે વહી ઝરણાં કરે, સકલ રચના મેળે મેળે પ્રસન્ન તને કરે!

અનુભવ નથી રસ્તાનો કૈં હવે પછીના તણો, શ્રમ પણ, સખે! આગે જાતાં કદાચ પડે ઘણો; ત્વરિત ન થતાં માટે આંહીં જરા ઠરવું ઘટે, મધુર જલમાં ચિંતા છોડી જરા તરવું ઘટે!

કમલવન છે ક્રીડા માટે સમીપ મનોહર, કુસુમિત લતાઓમાં પેસી પરાગ બધે ભર; ક્ષણ સુખ તણી આવી પાછી કદાચ મળે નહીં, અવર વીસરી એકત્વે થા તું સાંપ્રતની મહીં!