આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાણે કોઈ શર શિર વિષે તીક્ષ્ણ વાગેલ હોય, ટોળું છોડી પર દુખથી જેમ ભાગેલ હોય, તેવી રીતે ઘડી ઘડી પછી એ અગાડી ધસે છે, વૃત્તિની કૈં ખબર ન પડે, એ પ્રમાણે હસે છે!

અચાનક મને એનું અનુમાન થઈ ગયું : વાદ્ય અદ્ભુત અસ્પષ્ટ સંભળાય અહીં કયું?

ઊંચે બધાં શિખર શ્વેત થયાં જણાય, નીચે નદી ગહનમાં તરુઓ તણાય; વચ્ચે જગા વિકટ ઉપર એક ચાલે, ગારુડી કોઈ નજરેથી ગુફા નિહાળે.

અસામાન્ય છટાથી એ બજાવે હાય બીનને! ચાલે છે ચિત્તના તંતુ જ્ઞાન ક્યાં રસહીનને? દેખે છે કાલને સામે તોય પાછો નહિ વળે : જવાની તો કહે, કેમ આજ્ઞા સંગીતની મળે?

અશ્રુ પડે નયનથી, બહુ ખિન્ન લાગે; છે મૃત્યુની ખબર, તોપણ બદ્ધ રાગે; કેદી સમાન હળવે ડગલાં ભરે છે, અત્યંત હર્ષ સહ ચિહ્ન બધાં કરે છે.

આવે ચાંડાલની પાસે, સુણે એકાગ્ર ચિત્તથી; લુબ્ધ લુબ્ધકનું ચિત્ત થાય કસ્તૂરીવિત્તથી!

ધીમો તેથી કંઈ પડી ગયો બીનનો એહ નાદ : રે! રે! કેવો શબરપતિ આ થાય તારો પ્રમાદ!