આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮. અતિજ્ઞાન

ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે; જામી ગઈ તરત ઘોર, કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.

ઇંદ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા; એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક, જતો હતો અંધ થતી નિશામાં, સુગુપ્ત રાજગૃહની દિશામાં!

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા; ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા!

નિગૂઢ શંકા પુરવાસીઓની આ, જરાય નિષ્કારણ તો નહોતી હા! કરેલ આમંત્રણ ધર્મરાજને, રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે; બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.