આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પાછળ જન્મ્યો હોવો જોઈએ ને એના વંશવારસો રાજકુળમાંથી કે રાજભાગમાંથી વંચિત રહી શુદ્રપણાને જ પામ્યા હોવા જોઇએ. સોમનાથને ખાતર એકલવાયા મરનાર રાજકુમારનું ભીલબાળ જો આખરે શુદ્રનો જ વંશ-વેલો વહાવનાર રહ્યું હોય, ને ઇતિહાસને ચોપડે નામકરન ન પામ્યું હોય, તો તેને આ કરુણકથના ઉજ્જવલ પાત્ર બનવાનો હક્ક છે.

નાગબાઇનો પૌત્ર નાગાજણ મહમદ બેગડાના રાજદરબારના ઉંચું પદ પામ્યો હતો ને ત્યાં એણે પોતાના શુદ્ધ હિંદુત્વ પાળનાર સાથી રાજદે ચારણ પર તર્કટ કરી રાજદેને પેટમાં કટાર પહેર્યે પહેર્યે બાંગ દેવાની સ્થિતિમાં પણ મૂકેલ હતો, એ કથા ચારણો જ કહે છે. એ કથામાંથી નાગાજણના પાત્રને છેલ્લી શોચનીય અવસ્થાનું સૂચન મળે છે.

નરસૈ મહેતાનુંપાત્ર તો સર્વમાન્ય છે. એના નામે ચાલતી આવેલી ઘટનાઓના ચિત્રણનો ઉપયોગ મેં એ પાત્રની કરુણતાના રંગો માંડળિક પર પાડવા પૂરતો જ કરેલો છે. શરૂમાં દેખાતો એક ચારણ, વીજલ વાજો, ભાટણ્ય, વગેરે જે કેટલાંક નાનાં પાત્રો આવી આવી ને અદૃશ્ય થઇ જાય છે, તેમનો ઉપયોગ ફક્ત માંડળિકના ચારિત્ર્યના ઘડતર પૂરતો જ કર્યો છે.

ચારણીની ચૂંદડી, વીજાનો કોઢ, ભૂંથા રેઢને મળેલી સુંદરી, ભૂંથાના શરીર પરથી કપડાંનું બળી જવું, વગેરે ઘટનાઓ જે થોડું ચમત્કારનું તત્વ ચમકે છે તેનો ખુલાસો બીનજરૂરી છે. એ તો છે લોકકથાઓની સામગ્રી. એનો સીધો સંબંધ મન પર પડતી અસરો સાથે છે. એમાં ઊંડો ઊતરવા મને અધિકાર નથી, કેમકે હું ઇલ્મી પણ નથી, વૈજ્ઞાનિક પણ નથી.

નરસૈ મહેતાના જીવનમાં તો હું પરચા જોતો જ નથી. એને મળેલી સહાયો પ્રભુસહાયો જ હતી, અને તે પ્રભુપરાયણ માણસો દ્વારા પહોંચી હોવી જોઇએ એવું ઘટાવવામાં કશી જ નડતર મને લાગતી નથી. ફક્ત રતનબાઇનો પ્રસંગ મેં સ્હેજ બદલી વધુ વિજ્ઞાનગમ્ય બનાવ્યો છે. રતનબાઇને બદલે પ્રભુ નહિ પણ મૂવેલી રતનબાઇનો વાસનાદેહ જ પાણી પાવા આવે તે વધુ વાસ્તવિક ગણાશે.

ઝવેરચંદ મેઘાણી

રાણપુર તા. ૨૦ : ૪ : ૩૯