આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પહેલું
જૂદા કેડા

"આજથી પાંચસેક વરસ પહેલાં, ગીરની ગટાટોપ ગીચ ઝાડી વચ્ચે થઇને પાંચ જીવનો એક પરિવાર પ્રભાતના પહેલા પહોરે ઉતાવળે પગલે ચાલ્યો જતો હતો. એક પોઠિયો, એક ભેંસ, ભેંસ હેઠળ એક પીંગલા રંગની નાનકડી પાડી, એક આદમી ને એક ઓરત.

પોઠિયાની પીઠ ઉપર થોડી ઘરવખરી લાદી હતી. એક ત્રાંબાની મોટી ગોળી પોતાનું ચળકતું મોં કાઢતી હતી, તેની આસપાસ કાળા રંગના ઝગારા કરતાં માટીનાં નાનાં મોટાં ઠામડાં હતાં. એક લૂગડાંની બચકી, ચાર નવી જૂની ધડકી અને એક ઘંટી હતી. આ બધાં પણ કુટુંબી કબીઓલાને શોભે તે રીતે સામટાં ખડકાઇને વહે જતાં હોતાં. ભીડાભીડ સામે કોઇ ફરિયાદ કે બૂમ બરાડ કરતાં નહોતાં. સૌને માથે એક કાથીના વાણે ભરેલો ખાટલો હતો.

ભેંસને નાની પાડી રસ્તે ધાવતી આવતી હતી. નાની શીંગડીવાળો પોઠિયો ખાલી પીઠ વાળી ભારવિહોણી ભેંસ સામે કોઇ કોઇ વાર કતરાતો હતો. પણ ભેંસની આંખો જાણે એને જવાબ વાળતી હતી કે "જોતો નથી? મારો ભાર મારાં અધમણીયાં આઉમાં છે. પીઠ માથે ઉપાડવું સ્હેલ છે, પેટે તોળીને બોજ ખેંચવો બહુ વસમો છે.